UPSCના વિદ્યાર્થીનો કોહવાયેલો મૃતદેહ મળતાં ખળભળાટ, દિલ્હીમાં ઝાડ પર લટકેલી હાલતમાં હતો
UPSC Aspirant Found Dead In Jungle: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં સ્થિત એક વન ક્ષેત્રમાંથી યુપીએસસીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનો વૃક્ષ પર કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના દૌસામાં રહેતાં દીપક કુમાર મીણાનો મૃતદેહ 20 સપ્ટેમ્બરે એક કોચિંગ સંસ્થાની લાઇબ્રેરીની નજીક વન ક્ષેત્રમાંથી મળી આવ્યો છે.
આ વિદ્યાર્થી ઘણા દિવસથી ગુમ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દીપક કુમાર મીણાએ આત્મહત્યા કરી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસને દીપક કુમારનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ શરુ કરી છે.
10 સપ્ટેમ્બર બાદથી ગુમ
દીપક કુમાર મીણાના પિતાના જણાવ્યા પ્રમાણે, તેમનો દીકરો યુપીએસસી પ્રિલિમનરી પરીક્ષામાં પાસ થયા બાદ મેઇન્સની તૈયારી કરવા જુલાઈમાં દિલ્હી આવ્યો હતો. દરરોજ સાંજે તે ઘરે ફોન કરતો હતો. પરિવારજનોની તેની સાથે અંતિમ વાતચીત 10 સપ્ટેમ્બરે થઈ હતી. 13 સપ્ટેમ્બર સુધી ફોન ન આવતાં પિતા પુત્રને શોધવા દિલ્હી આવ્યા હતા.
દીપકના પિતા તે જ્યાં પીજી તરીકે રહેતો હતો ત્યાં ગયા હતા. ત્યાં તેની સાથે રહેતા અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તે બે દિવસથી ઘરે જ નથી આવ્યો. બાદમાં પોલીસમાં તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન મીણાનો મૃતદેહ મળી આવ્યો હતો.
કોઈ સુસાઇડ નોટ ન મળી
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકા છે કે, લાઇબ્રેરીમાં ભણ્યા બાદ દીપક જંગલ તરફ ગયો હતો. દીપકની બેગ તે વૃક્ષ સાથે જ લટકેલી હતી. ત્યાંથી કોઈ સુસાઇડ નોટ મળી ન હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.