મારા મામા પાકિસ્તાનના કરાંચીમાં જ રહે છે, ઈડીની પૂછપરછમાં દાઉદ ઈબ્રાહિમના ભાણીયાએ કર્યો ખુલાસો
નવી દિલ્હી,તા 24 મે 2022,મંગળવાર
અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે તેવો દાવો ભારત અનેક વખત કરી ચુકયુ છે અને દર વખતે પાકિસ્તાન આ વાતને નકારી ચુકયુ છે.
હવે દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલી શાહ પારકરે ઈડી સમક્ષ ખુલાસો કરતા કહ્યુ છે કે, દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાંચી શહેરમાં જ રહે છે.
અલી શાહ પારકર દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. કેટલાક વર્ષો પહેલા હસીના પારકરનુ મુંબઈમાં મોત થયુ હતુ. હાલમાં ઈડી મની લોન્ડરિંગના મામલાની તપાસ કરી રહી છે અને આ દરમિયાન અલી શાહે ઈડી સમક્ષની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત ખુલાસો કર્યો હતો.
અલીશાહે કહ્યુ હતુ કે, મારા મામા પાકિસ્તાનના કરાંચીમાં છે. મારા જન્મ પહેલા તે મુંબઈ છોડીને દુબઈ જતા રહ્યા હતા. દાઉદ 1986 સુધી મુંબઈની ડંબરવાલા બિલ્ડિંગમાં રહેતા હતા તે વાત મેં મારા સબંધીઓ પાસે સાંભળી છે. જોકે હું મારા અને મારા પરિવારના કોઈ સભ્યો દાઉદ ઈબ્રાહિમના સંપર્કમાં ન હતી.