રામભક્તો માટે ખુશખબર, હવે રાતે પણ થશે રામલલાના દર્શન, જાણો નવો સમય
અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કર્યા
Ayodhya Ram Mandir Darshan : અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગઈકાલથી જ રામ ભક્તો મોટી સંખ્યામાં રામલલાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને દર્શનનો સમય વધારવાનો નિર્ણય લીધો છે જેમાં હવે ભક્તો સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે. આ પહેલા સાંજના સાત વાગ્યા સુધીનો જ હતો.
પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કર્યા
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓએ રામલલાના દર્શન કરી લીધા છે. આ દરમિયાન ભારે ભીડને કારણે થોડી અરાજકતા પણ જોવા મળી હતી. જોકે, પોલીસ-વહીવટી તંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રામલલાના દર્શન કરવા માટે ભક્તોનું આગમન સતત ચાલુ છે ત્યારે ગઈકાલની પરિસ્થિતિ જોતા આજે યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP મહેમાનોને અપીલ કરી છે. સરકાર દ્વારા VIP મહેમાનોને કહેવામાં આવ્યું છે કે તેઓ આગામી 10 દિવસ સુધી અયોધ્યા ન આવે.
સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શનની છૂટ
આ સાથે એમ પણ કહ્યું છે કે જો આવે તો વહીવટીતંત્ર અથવા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જાણ કરીને આવે, જેથી કરીને તેઓને વધુ સારી સુવિધા પૂરી પાડી શકાય. હાલ અયોધ્યામાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે, ત્યારે એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે રામ ભક્તોને સવારે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી દર્શન કરી શક્શે.