Dark Tourism: કેરળમાં મોતનો મલાજો ના જળવાયો, દુર્ઘટના સ્થળની મુલાકાતે આવનારાને પ્રવાસીઓને પોલીસની ચેતવણી
Dark Tourism: તાજેતરમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની દુર્ઘટના ઘટી ગઈ. આખેઆખા ગામ સાફ થઈ ગયા અને 380 જેટલા લોકો અવસાન પામ્યા. ત્રાસદીના સાત દિવસ પછી પણ કાટમાળ અને કાદવ નીચે દટાયેલા મૃતદેહ મળવાનું ચાલુ છે ત્યારે ઘટનાસ્થળે એક નવી સમસ્યા ઊભી થવાની સંભાવના જાગી છે, અને એ સંભાવના છે ડાર્ક ટુરિઝમ.
શું છે ડાર્ક ટુરિઝમ?
મોટાભાગના પ્રવાસીઓ ફરવા માટે દરિયાકિનારે, પહાડોમાં, ઐતિહાસિક સ્થળોએ કે પછી જંગલોમાં જતા હોય છે. પણ, પ્રવાસીઓનો એક વર્ગ એવો છે જે દુર્ઘટનાગ્રસ્ત સ્થળોની મુલાકાતે જવાનું પસંદ કરે છે. તેઓ એવા વિસ્તારો કે ઈમારતોની મુલાકાતે જાય છે જ્યાં અકસ્માત થયો હોય અથવા નરસંહાર થયો હોય. પ્રવાસની આવી ઘેલછાને ‘ડાર્ક ટુરિઝમ’ કહેવામાં આવે છે. ભારત સહિત દુનિયાભરમાં પર્યટનનો આ નવો ટ્રેન્ડ વધી રહ્યો છે.
વાયનાડને શું લાગેવળગે ડાર્ક ટુરિઝમ સાથે?
ડાર્ક ટુરિઝમના શોખીન પ્રવાસીઓ વાયનાડની ત્રાસદી જોવા માટે ત્યાં પહોંચી જાય તો બચાવકાર્યમાં અડચણ આવે એમ છે. આવી સંભાવનાને કારણે કેરળ પોલીસે પાણી પહેલા પાળ બાંધવાના ઈરાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ચેતવણી આપી છે કે, મહેરબાની કરીને વાયનાડ તરફ ફરવા માટે ન આવતા. તમારા આવવાથી બચાવકાર્યમાં મુશ્કેલી પડી શકે એમ છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર
ક્યાંથી આવ્યો આ શબ્દ?
વાયનાડની જેમ કુદરતી આફત પછી વિનાશ પામ્યા હોય એવા સ્થળો, લોકો ક્રૂરતાપૂર્વક મોતને ભેટ્યા હોય એવી જગ્યાઓ તથા બરબાદ થઈ ગયેલા યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જનારાઓની દુનિયામાં કમી નથી, જેને આધાર બનાવીને વર્ષ 1996માં ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીના બે શિક્ષણવિદ જે. જ્હોન લેનન અને માલ્કમ ફોલી દ્વારા ‘ડાર્ક ટુરિઝમ’ શબ્દ સૌપ્રથમવાર રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, નામકરણ પામ્યા અગાઉ પણ આ પ્રકારનો અળવીતરો પ્રવાસશોખ ધરાવતા લોકો હતા જ. બસ, એને નામ નહોતું મળ્યું.
શા માટે કરે છે લોકો આવો પ્રવાસ?
પ્રવાસીઓ અલગ-અલગ કારણસર ડાર્ક ટુરિઝમનો હિસ્સો બનતા હોય છે. ઘણાને આમાં અનોખો રોમાંચ, અનેરી કિક મળે છે. ઘણા પ્રવાસીઓ ત્રાસદીનો ભોગ બનનારના દુખમાં સહભાગી થવાને ઈરાદે જાય છે. તો ઘણા એવાય હોય છે જે અલગ-અલગ પ્રકારનો પ્રવાસ કરવાના આદિ હોવાથી કશુંક નવું ‘ટ્રાય’ કરવા ખાતર ડાર્ક ટુરિઝમ કરવા ઉપડી જાય છે. એક વર્ગ એવો પણ છે જે વતનથી દૂર થઈ ગયો છે અને એમની જૂની પેઢીએ એમના વતનમાં વેઠેલી તકલીફોનો અહેસાસ મેળવવા માટે ડાર્ક ટુરિઝમનો માર્ગ લે છે. આવા લોકો માટે પ્રવાસનનો આ પ્રકાર ઇમોશનલ બની જતો હોય છે.
સતત વધી રહ્યો છે આ ટ્રેન્ડ
વિશ્વ પ્રવાસનના ડેટા કહે છે કે છેલ્લા થોડા વર્ષોમાં ડાર્ક ટુરિઝમનો ક્રેઝ સતત વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં મળતી મફતની પબ્લિસિટીને કારણે પણ આ ટ્રેન્ડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આગામી દસ વર્ષમાં ડાર્ક ટુરિઝમનું માર્કેટ આશરે 41 બિલિયન ડોલરનું થઈ જવાનો અંદાજ છે.
દુનિયાની સૌથી જાણીતી ‘ડાર્ક ટુરિઝમ સાઇટ’
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ડાર્ક ટુરિઝમ માટે પ્રવાસીઓના ધાડેધાડાં ઉમટે છે, પણ સૌથી જાણીતી સાઇટ છે પોલેન્ડનો ઓશવિટ્ઝ કોન્સન્ટ્રેશન કેમ્પ, જ્યાં હિટલરની સેનાએ અમાનવીય જુલમો ગુજાર્યા હતા. જર્મનોના કાળાકેરના સાક્ષીરૂપ આ કેમ્પમાં લાખો યહૂદીઓને કેદ કરવામાં આવ્યા હતા અને એમની બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ઘણાને ગેસ ચેમ્બરમાં પૂરીને મારી નાંખવામાં આવ્યા હતા તો ઘણા ભૂખ અને ઠંડીના કારણે માર્યા ગયા હતા. દસ લાખથી વધુ જીવનો ભોગ લેનાર એ સ્થળની મુલાકાતે દર વર્ષે 2.5 લાખથી વધુ પ્રવાસીઓ જાય છે.
પરમાણુ હુમલાનું સ્થળ પણ આકર્ષણરૂપ
ઓગસ્ટ 1945માં અમેરિકાએ જાપાનના હિરોશિમા શહેર પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો, જેના કારણે 80 હજાર લોકો તત્ક્ષણ માર્યા ગયા હતા. એ પછી પણ વર્ષો સુધી પરમાણુના રેડિએશનને કારણે હજારો લોકો મૃત્યુ પામતા રહ્યા હતા. વિસ્ફોટને કારણે હિરોશિમાની 70 ટકા ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. થોડા વર્ષો પછી અહીં પીસ મેમોરિયલ પાર્ક બનાવવામાં આવ્યો હતો, જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવતા રહે છે.
આતંકવાદનો ભોગ બનેલું સ્થળ
11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં ન્યૂ યોર્ક શહેરમાં આવેલા અમેરિકાના નાક-સમા (એ સમયે જગતના સૌથી ઊંચા બિલ્ડિંગ) ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ના બંને ટાવરને તોડી પાડવામાં આવ્યા હતા. એ સ્થળે હવે ‘ગ્રાઉન્ડ ઝીરો’ નામનું મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. એ સ્થળ પણ ડાર્ક ટુરિઝમના શોખીનોને આકર્ષે છે.
ડાર્ક ટુરિઝમના આકર્ષણરૂપ અન્ય સ્થળો
એપ્રિલ 1986માં પરમાણુ દુર્ઘટનામાં જ્યાં 32 લોકો માર્યા ગયા હતા એ યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટ તથા અંદાજે 1900 વર્ષ પહેલાં જ્વાળામુખીના લાવાથી બળીને રાખ થઈ ગયેલા ઇટાલિયન શહેર ‘પોમ્પેઇ’ના અવશેષ પણ ડાર્ક ટુરિઝમના મહત્ત્વના સ્થળો છે. આફ્રિકી દેશ રવાન્ડામાં આવેલ ‘મુરુમ્બી નરસંહાર સ્મારક’ને વિશ્વનું સૌથી અંધકારમય સ્થળ માનવામાં આવે છે. 1994માં અહીં 50 હજાર લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં મૂકાયેલા એમના માનવ કંકાલ અહીં પ્રવાસીઓને આકર્ષે છે.
ભારતમાં છે ડાર્ક ટુરિઝમ સાઇટ્સ?
આપણા દેશમાં પણ ડાર્ક ટુરિઝમ કરાવતા સ્થળો છે. અંગ્રેજોના અત્યાચારની સાબિતીરૂપ આંદામાનની સેલ્યુલર જેલ અને જલિયાવાલા બાગ તથા રાજસ્થાનનું કુલધરા ગામ અને ઉત્તરાખંડનું રૂપકુંડ તળાવ આવા સ્થળો છે, જ્યાં જઈને લોકો આ અલગ પ્રકારના પર્યટનની ‘ફીલ’ લે છે.
આવા અખતરા પણ થાય છે
ડાર્ક ટુરિઝમને નામે વિચિત્ર કહી શકાય એવા અખતરા પણ થાય છે. જેમ કે, ફિલિપાઇન્સના સાન ફર્નાન્ડો શહેરમાં ગુડ ફ્રાઈડેના તહેવાર નિમિત્તે લોકોને ક્રોસ પર કચકચાવીને બાંધીને ઈસુ ખ્રિસ્તે વેઠેલી પીડાનો અનુભવ કરાવવામાં આવે છે. અમેરિકામાં તો વાવાઝોડા કે આગને કારણે બરબાદ થયેલા વિસ્તારોમાં સ્થિતિ થોડી થાળે પડે કે તરત જ ડાર્ક ટુરિઝમ થકી કમાવાની પેરવી શરૂ થઈ જાય છે; બસ ભરી-ભરીને અમેરિકનો આપદાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી જાય છે. યુક્રેન યુદ્ધમાં રશિયા દ્વારા ધમરોળી નંખાયેલા મારિયુપોલમાં ‘ડાર્ક ટુરિઝમ ક્યારે શરુ થશે?’ એની પૂછપરછ હજુ તો યુદ્ધ પૂરુ થવાના કોઈ એંધાણ નથી છતાં અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
શા માટે વિરોધ થઈ રહ્યો છે આ ટ્રેન્ડનો?
સામૂહિક હત્યાકાંડનો ભોગ બનેલા લોકોના સ્વજનો માટે જે-તે સ્થળ સંવેદનશીલ ગણાય છે. એવા સ્થળે પ્રવાસીઓ મોજ માણવા જાય એ નૈતિક દૃષ્ટિએ મૃતકોના સ્વજનોની લાગણીઓ સાથે રમત રમવા જેવું ગણાય છે. ડાર્ક ટુરિઝમની ઘણી સાઇટ્સ એવી છે જેના બરબાદ થવાના કારણો હજુ પણ રહસ્યમય છે. એવા સ્થળોએ જવું જોખમી બની શકે છે. કુદરતી આફતોનો ભોગ બનેલા સ્થળો માણસોની ભીડને કારણે ફરી દુર્ઘટનાગ્રસ્ત થાય તો મોટી સંખ્યામાં જાનહાની થવાનો ભય રહેલો હોય છે. આવા બધા કારણોસર તાજેતરના વર્ષોમાં ડાર્ક ટુરિઝમનો વિરોધ થવા લાગ્યો છે.