VIDEO : CM યોગીના નારા 'બટેંગે તો કટેંગે'ના જવાબમાં ખડગેએ કહ્યું- 'ડરેંગે તો મરેંગે'
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નારા 'બટેંગે તો કટેંગે'ના જવાબમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'ડરેંગે તો મરેંગે', 'એક થઈને દેશને બચાવીશું' નો નારો આપ્યો છે.
શનિવારે તેમણે ઝારખંડના જામતાડા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર ઈરફાન અંસારીના સમર્થનમાં કરમાટાંડના ઈદગાહ મેદાનમાં કોંગ્રેસની ચૂંટણી સભાને સંબોધિ હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાજપના મોટા નેતા ઝારખંડમાં આવીને નારેબાજી કરવામાં લાગ્યા છે.
ખડગેએ કહ્યું કે, 'ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજી કહે છે કે 'બટેંગે તો કટેંગે'. વડાપ્રધાન મોદી નવો જુમલો લાવ્યા. તેઓ કહે છે 'એક બનો નેક બનો', પરંતુ અમે કહીએ છીએ કે 'ડરેંગે તો મરેંગે'. એટલા માટે એક થઈને દેશને બચાવો.'
ભાજપ લોકોમાં ભાગલા પાડી રહી છે : ખડગે
તેમણે કહ્યું કે, 'ભાજપ લોકોમાં ભાગલા પાડી રહી છે. ભાજપના મોટા નેતા કહે છે કે 70 વર્ષમાં કોંગ્રેસે દેશને બરબાદ કરી દીધો. આ ખુબ ખોટું છે. સાચું એ છે કે ભાજપે 10 વર્ષમાં દેશને બરબાદ કરી દીધો છે. અમે બંધારણ બનાવ્યું. રાજીવ ગાંધીએ યુવાનોને મત આપવાનો અધિકાર આપ્યો.'
ખડગેએ કહ્યું કે, 'ભાજપવાળાને પૂછો 70 વર્ષ પહેલા મહિલાઓને મત આપવાનો અધિકાર હતો કે નહીં. કોંગ્રેસે દેશને શિક્ષા અને સ્વાસ્થ્ય સેવા આપી. ભાજપ વાળા પણ કોંગ્રેસની બનાવેલી શાળામાં ભણ્યા છે અને આજે બોલી રહ્યા છે કે દેશને બરબાદ કરી દીધો. અમે ખુરશી આપી ત્યારે મોદીજી આજે બેઠા છે.'
ખડગેએ પૂછ્યું કે, 'નોટબંધીથી સામાન્ય લોકોને શું મળ્યું? શું ખેડૂતોની આવક બેગણી થશે? ભાજપવાળા બંધારણ બગાડી રહ્યા છે. એટલા માટે બંધારણ બચાવીને દેશને બચાવો. બંધારણ નહીં બચે તો તમે અધિકારથી વંચિત થઈ જશો.'