રામલીલામાં ખુરશી પર બેસી ગયો દલિત, લોકોએ ઢોર માર મારતાં દુઃખી થઈ કર્યો આપઘાત
Image: Wikipedia
Suicide Case in Kasganj: યુપીના કાસગંજમાં એક દલિત વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આરોપ છે કે મૃતક રામલીલા જોવા ગયો હતો, પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેને ખુરશી પર બેસવાને લઈને અપમાનિત કર્યો. તેનાથી તેને આઘાત લાગ્યો અને તેણે મોતને વ્હાલું કર્યુ. પરિવારજનોએ આરોપી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
સલેમપુર વીવી ગામમાં દલિત વ્યક્તિની આત્મહત્યા પાછળનું કારણ પોલીસ દ્વારા તેની સાથે મારપીટ અને અપમાન કરવાનું જણાવાઈ રહ્યું છે. મૃતકની પત્નીએ રામલીલા પ્રાંગણમાં ખુરશી પર બેસવાને લઈને બે પોલીસ કર્મચારી પર તેના પતિની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. મૃતકની પત્નીએ કાર્યવાહી માટે સોરો પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૃતક રાત્રે 9 વાગે રામલીલા જોવા ગયો હતો. ત્યાં ખુરશીઓ પડેલી હતી તો તે ખુરશી પર બેસી ગયો, ત્યારે હેડ કોન્સ્ટેબલ બહાદુર સિંહ અને એક સિપાહી વિક્રમ સિંહ આવ્યા અને તેને ખેંચીને લઈ ગયા. મારપીટ કરી અને ગાળો પણ બોલ્યા. જેનાથી તેને ખૂબ દુ:ખ થયું. તે બાદ તે ઘરે આવ્યો અને રડીને આખી વાત જણાવી પછી ગળે ફાંસો ખાઈ લીધો.
કાસગંજના એએસપીએ જણાવ્યું કે કાલે રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેજ પર રામલીલા ચાલી રહી હતી આ દરમિયાન ગામના જ રમેશ ચંદ જે તે સમયે થોડા નશામાં હતા તો તે સ્ટેજ પર બેસી ગયા. જે મુદ્દે આયોજકો અને દર્શકોએ તેમને હટાવવા માટે કહ્યું. બાદમાં પોલીસ કર્મચારીઓએ તેમને ત્યાંથી હટાવી દીધા અને તે રાત્રે ઘરે પણ જતા રહ્યા.
આજે માહિતી પ્રાપ્ત થઈ કે રમેશ ચંદ પોતાના ઘરમાં દોરડાથી લટકેલા મળ્યા. તેમણે આત્મહત્યા કરી દીધી. માહિતી મળતાં જ એસએચઓ, સીઓ સિટી વગેરે ઘટના સ્થળે પહોંચી ગયા. હાલ, પરિવારજનો સાથે વાત કરીને મૃતદેહને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. આગળની તપાસ ચાલુ છે.