ભયાનક ઘટના: દલિત યુવતી પર પાંચ વર્ષમાં 62 લોકોએ દુષ્કર્મ આચર્યું, 44ની ધરપકડ
Dalit Girl Was Raped by 62 People : કેરળમાં દલિત છોકરી સાથે કથિત જાતીય શોષણના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરી છે અને 13 અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. પઠાણમથિટ્ટા જિલ્લામાં એક દલિત છોકરી પર કથિત જાતીય શોષણના સનસનાટીભર્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 44 લોકોની ધરપકડ કરી છે. આ મામલે તપાસ કરી રહેલી SITના કહેવા પ્રમાણે પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, 13 વર્ષની ઉંમરથી 62 લોકોએ તેનું જાતીય શોષણ કર્યું છે.
આ પણ વાંચો: સરકાર સનાતન બોર્ડ બનાવે અથવા વક્ફ બોર્ડ ખતમ કરે, મહાકુંભમાં અગ્નિ અખાડાના સચિવનું નિવેદન
આ અંગે પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં 30 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 59 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આમાંથી 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપીઓ જે અત્યારે વિદેશમાં છે, તેમના માટે લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. પોલીસ ઇન્ટરપોલ દ્વારા તેના માટે રેડ કોર્નર નોટિસ જારી કરવાની પણ યોજના બનાવી રહી છે.
તપાસમાં શું બહાર આવ્યું?
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, કેટલાક આરોપીઓ પઠાણમથિટ્ટાના એક ખાનગી બસ સ્ટેન્ડ પર છોકરીને મળ્યા હતા. ત્યારબાદ આ છોકરીને વિવિધ વાહનોમાં અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવી, અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે, કે ગયા વર્ષે જ્યારે છોકરી ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી, ત્યારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઓળખતો એક યુવક તેને રાનીના એક રબરના બગીચામાં લઈ ગયો. જ્યાં તેણે અન્ય ત્રણ લોકો સાથે મળીને તેના પર બળાત્કાર ગુજાર્યો. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું કે, જાન્યુઆરી 2024માં કારની અંદર અને પઠાણમથિટ્ટા જનરલ હોસ્પિટલમાં બનેલી ઘટનાઓ સહિત અંદાજે પાંચ વખત તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો.
કેવી રીતે સામે આવ્યો આખો મામલો
બાળ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત કાઉન્સેલિંગ દરમિયાન આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જ્યારે એક શૈક્ષણિક સંસ્થામાં પીડિતાના શિક્ષકોએ સમિતિને તેના વર્તનમાં નોંધપાત્ર ફેરફારો વિશે જણાવ્યું હતું. ત્યારબાદ સમિતિએ પોલીસને જાણ કરી અને તપાસ ચાલુ કરી હતી. આ ઘટનાની વ્યાપક તપાસ કરવા માટે SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં પઠાણમથિટ્ટાના ડેપ્યુટી એસપી પી.એસ. નંદકુમારે જિલ્લા પોલીસ વડા વી.જી. વિનોદ કુમારની દેખરેખ હેઠળ ટીમ બનાવવામાં આવી. આ ટીમમાં વિવિધ રેન્ક અને સ્ટેશનોમાંથી મહિલાઓ સહિત 30 થી વધુ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. ડીઆઈજી અજિતા બેગમે જણાવ્યું હતું, કે સબરીમાલા યાત્રા સમાપ્ત થયા પછી એસઆઈટીમાં વધુ અધિકારીઓ ઉમેરવામાં આવશે.
કેમ ગંભીર છે આ મામલો ?
આ કેસ ફક્ત એક વ્યક્તિ પર થયેલા અત્યાચારનો નથી, પરંતુ, આ સમાજમાં પ્રવર્તતા જાતીય શોષણ અને દલિતો સાથે થઈ રહેલા ભેદભાવ સામેની લડાઈનું પ્રતીક છે. આ મામલાએ ફરી એકવાર દેશમાં મહિલાઓની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.