અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કરનારા 3 હેવાન પકડાયા, દારૂના નશામાં ઘટનાને અંજામ આપ્યો હતો
Ayodhya: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દલિત યુવતીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે અમે દારૂના નશામાં યુવતીની હત્યા કરી હતી અને પછી તેની લાશને નાળા પાસે ફેંકી દીધી હતી.
જાણો શું છે મામલો
SSP રાજ કરણ નય્યરે જણાવ્યું કે પોલીસે આ કેસમાં હરિ રામ કોરી, વિજય સાહૂ અને દિગ્વિજય સિંહ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેએ દારૂના નશામાં અયોધ્યા કોતવાલી વિસ્તારના ગામની એક શાળામાં એક છોકરીની હત્યા કરી હતી અને પછી તેની લાશને નાળા પાસે ફેંકી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેશે.
યુવતી શુક્રવાર સાંજથી ગુમ હતી
તાજેતરમાં અયોધ્યાના એક ગામમાં 22 વર્ષની દલિત યુવતીની લાશ નગ્ન હાલતમાં મળવાના કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. યુવતી શુક્રવાર સાંજથી ગુમ હતી. પરિવારના સભ્યોએ પહેલા જ પોલીસને યુવતીના ગુમ થવા અંગે જાણ કરી દીધી હતી, પરંતુ બીજા દિવસે સવારે તેનો મૃતદેહ ગામની બહાર એક નાળા પાસે મળી આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે યુવતીની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભણેલી ચંદ્રિકા ટંડને જીત્યો પ્રથમ ગ્રેમી એવોર્ડ, વેપાર જગતમાં છે જાણીતું નામ
પરિવારના સભ્યોનો એવો પણ આક્ષેપ છે કે પોલીસને યુવતીના ગુમ થયાની જાણ કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાય નહોતા. સવારે જ્યારે પરિવારના સભ્યોને ખેતરમાં લોહીના ડાઘા પડેલા કપડા મળ્યા ત્યારે તેમની શંકા સાચી સાબિત થઇ હતી.