Explainer: મસાલેદાર ભોજનના શોખીનો ચેતી જજો, અનેક ભારતીય મસાલામાં કેન્સરકારક તત્ત્વો હોવાના આરોપ
Indian spices: ભારતીય વ્યંજનોના અભિન્ન અંગ ગણાતા મસાલામાં કેન્સરકારક તત્ત્વો હોવાનું ઓફિશિયલી જાહેર થાય તો તમારું શું રિએક્શન હશે? આઘાત લાગે ને? લાગે જ. લાગવો જ જોઈએ. આઘાત લાગે એવી ઘટના થોડા સમય અગાઉ બની હતી. પાંચમી એપ્રિલના રોજ હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ભારતમાંથી આયાત કરાયેલા બે મસાલા-મિશ્રણમાં કાર્સિનોજેનની હાજરી હોવાનું જાહેર કર્યું હતું. ભારતમાં અતિપ્રસિદ્ધિ અને ખૂબ વેચાણ ધરાવતી બે કંપનીના મસાલામાં કેન્સરકારક તત્ત્વ મળી આવ્યાનું કહેવાયું હતું.
કઈ કંપની પર લાગ્યા આરોપ?
ભારતમાં બહુ વપરાતા મસાલાની બે બ્રાન્ડ ‘એવરેસ્ટ’ અને ‘MDH’ પર આળ ચઢાવાયું હતું. એવરેસ્ટના ‘ફિશ કરી મસાલા પાવડર’ અને MDH દ્વારા બનાવેલા ત્રણ મસાલા-મિશ્રણો— ‘મદ્રાસ કરી પાવડર’, ‘સાંભાર મસાલા મિક્સ પાવડર’ અને ‘કરી પાવડર મિક્સ મસાલા’—માં ઇથિલિન ઓક્સાઇડ નામનું ‘કાર્સિનોજેન’ મળી આવ્યું હોવાનું કહેવાયું હતું. ‘એવરેસ્ટ’ અને ‘MDH’ બંને કંપનીઓએ આરોપો સામે તેમના ઉત્પાદનોનો બચાવ કર્યો હતો.
શું છે કાર્સિનોજેન?
કાર્સિનોજેન એટલે એવો પદાર્થ, તત્ત્વ કે જીવ જે કેન્સરની બિમારી નોંતરે છે. કાર્સિનોજેન પર્યાવરણમાં કુદરતી રીતે પણ ઉદ્ભવી શકે છે (જેમ કે, સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા અથવા અમુક પ્રકારના વાયરસને કારણે) તથા માનવજીવનને કારણે પણ ઉત્પન્ન થઈ શકે છે (જેમ કે, વાહનોના ધુમાડા અથવા સિગારેટના ધુમાડાથી). ભારતના મસાલામાં જે કેન્સરકારક કાર્સિનોજેન મળી આવ્યું હોવાનું કહેવાયું છે એ છે ‘ઇથિલિન ઓક્સાઇડ’.
શું છે ઇથિલિન ઓક્સાઇડ?
ઇથિલિન ઓક્સાઇડ એ મીઠી ગંધવાળો, રંગહીન, માનવનિર્મિત ગેસ છે, જે સરળતાથી સળગી ઊઠે છે અને પાણીની અંદર ઓગળી જાય છે. એનો ઉપયોગ કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશક તરીકે અને તબીબી સાધનોને તથા સૌંદર્ય પ્રસાધનોને જંતુમુક્ત કરવા માટે કરવામાં આવે છે. આ ગેસ એટલો ઝેરી છે કે સીધો શ્વાસમાં જાય તો લિમ્ફોમા, સ્તન કેન્સર અને લોહીનું કેન્સર થઈ શકે છે. મોટાભાગના દેશોમાં ખોરાકમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે, પણ ભારતમાં ઉત્પાદિત મસાલામાં એ હાજરાહજૂર છે, એ કેવી વિડંબણા!
કેવા પડ્યા પ્રત્યાઘાત?
હોંગકોંગને પગલે સિંગાપોરની ફૂડ એજન્સીએ પણ 18 એપ્રિલના રોજ એવરેસ્ટના ‘ફિશ કરી મસાલા’ બાબતે લાલબત્તી ધરી અને મસાલાના આખા બૅચને એવરેસ્ટ કંપનીને પરત રવાના કર્યો. સાથોસાથ સિંગાપોરના રહેવાસીઓને સૂચના પણ આપવામાં આવી કે, ‘જો તમે પરત મોકલાયા એ બૅચના મસાલાનું સેવન કર્યું હોય તો તમારી તબીબી તપાસ કરાવી લેજો.’
એપ્રિલના અંત સુધીમાં વધુ પાંચ દેશોએ આયાતી ભારતીય મસાલાઓની તપાસ કરાવવાની જાહેરાત કરી દીધી હતી.
ભારતીયોના સ્વાસ્થ્ય સાથે દેખીતા ચેડાં?
રસ્તા પર ખુલ્લામાં વેચાતા મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે, એવું વિચારીને ભારતની લાખો-કરોડો ગૃહિણીઓ એવા સસ્તા મસાલાને બદલે મોંઘી બ્રાન્ડના મસાલા ખરીદીને વાપરતી હોય છે. પણ હવે, હોંગકોંગ અને સિંગાપોર જેવા જનતાના સ્વાસ્થ્ય બાબતે ખાસ્સા જાગૃક દેશો ભારતના મોંઘેરા મસાલા પર હાનિકારક હોવાના આરોપ લગાવતા હોય ત્યારે ભારતીયોએ કરવું શું, એ પ્રશ્ન જાગે?
જે મસાલા આપણે વર્ષોથી વાપરતા આવ્યા છીએ, એમાં કેન્સરકારક તત્ત્વ હોવાનું વિદેશીઓ કહે, એના પર પ્રતિબંધ મૂકે, તો આપણા દેશનું ફૂડ ડિપાર્ટમેન્ટ કરે છે શું? કાર્સિનોજેનની હાજરી આપણા દેશમાં કેમ ન પકડાઈ? કે પછી પકડવાની કોશિશ જ નથી કરાઈ? આટલી જાણીતી બ્રાન્ડ પણ જો બેધડક લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી હોય તો ભરોસો કરવો કોના પર?
નબળા નિયમો નડી જાય છે
ખાદ્યપદાર્થોના નિયમન બાબતે વિદેશમાં જે કડક ધારાધોરણો અને પરિક્ષણ-નિયમો હોય છે એવા ધોરણો કે નિયમો ભારતમાં નથી. ભારતીય કાયદાઓ ઉત્પાદકોને એમના દ્વારા વેચાતા મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ અથવા અન્ય કોઈ જંતુનાશક છે કે નહીં એનું પરિક્ષણ કરવા બાબતે ફરજ નથી પાડતા. ઢીલા નિયમોને છટકબારી તરીકે વાપરીને ભારતીય ઉત્પાદકો નુકશાનકારક માલ બજારમાં મૂકી દેતા હોય છે.
હોંગકોંગ-સિંગાપોરમાં ચેતવણી પછી સરકાર જાગી
હોંગકોંગ-સિંગાપોરમાં લાગેલા આરોપ પછી ભારત જાગ્યું છે ખરું. ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’(FSSAI)એ તમામ રાજ્યોને મસાલાની બ્રાન્ડ્સનું પરિક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.
શું જડ્યું ભારતના પરીક્ષણોમાં?
મહારાષ્ટ્રમાં કરાયેલા પરીક્ષણોમાં પણ એવરેસ્ટ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની હાજરી હોવાનું બહાર આવ્યું છે, જેને લીધે સાબિત થઈ ગયું છે કે હોંગકોંગ-સિંગાપોર દ્વારા લગાવાયેલા આરોપો સાચા હતા. રાજસ્થાનમાં પણ એવા જ પરિણામ મળતાં ત્યાંના ફૂડ ડિપાર્ટમેન્ટે એવરેસ્ટ અને MDH મસાલાના બૅચ કંપનીને પાછા મોકલી દીધા હતા.
જો કે, બાકીના રાજ્યોના વિગતવાર પરિણામ આવ્યાં નથી. એમણે શું પગલાં લીધાં એય જાણવા મળ્યું નથી. જાડીજાડી એટલી જ માહિતી મળી છે કે નવ રાજ્યોમાંથી એકત્ર કરાયેલા મસાલાના 13 નમૂના માનવ વપરાશ માટે અસુરક્ષિત જણાયા હતા અને સાત મસાલા બનાવટી બ્રાન્ડના હતા.
શું કારણ છે ઇથિલિન ઓક્સાઇડ વાપરવાનું?
સ્ટોરેજમાં રહેલા મસાલામાં સૅલ્મોનેલા બેક્ટેરિયા પેદા થવાનું જોખમ હોય છે, એટલે એવા બેક્ટેરિયાને મારવા માટે ઉત્પાદકો મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ નાંખતા હોય છે. બચાવપક્ષ એમ કહે છે કે, અમારા મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડ જાણીજોઈને નથી ઉમેરાયેલું; ખેતરમાં પાકની રક્ષા માટે ઇથિલિન ઓક્સાઇડ વપરાયું હોય અને એ આખા મસાલા જોડે આવી ગયું હોય એવું બન્યું હશે.
જોકે, નિષ્ણાતો તો એવું કહે છે કે ફક્ત મસાલા જ નહીં, ભારતમાં ઉત્પાદન થતાં અન્ય ખાદ્યપદાર્થોની જાળવણી માટે પણ પ્રિઝર્વેટિવ્ઝ તરીકે ઇથિલિન ઓક્સાઇડનો વપરાશ થાય જ છે.
શું લેવાયા પગલાં?
‘સ્પાઈસીસ બોર્ડ ઓફ ઈન્ડિયા’એ હવે ભારતમાંથી નિકાસ થતાં તમામ મસાલાઓનું પરિક્ષણ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. મસાલાના નિકાસકારોએ કાચા માલ, પેકેજિંગ સામગ્રી અને અંતિમ ઉત્પાદનનું શુદ્ધતા પરિક્ષણ કરવું પડશે અને જો એમાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવશે તો એના મૂળ સુધી જઈને એનું નિવારણ કરવું પડશે.
ભારતીયોની જિંદગીની કોઈ કિંમત નથી?
મસાલાઓના યોગ્ય પરિક્ષણોનો આદેશ નિકાસ-માલ માટે જ આપવામાં આવ્યો છે. દેશમાં વેચાતા મસાલા માટે આવા કોઈ પરિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યા નથી. ત્યારે એવો પ્રશ્ન થાય કે, શું ભારતીયોની જિંદગીની કોઈ કિંમત નથી? કેન્સરકારક તત્ત્વોયુક્ત મસાલા ખવડાવીને ભારત સરકાર દેશના નાગરિકો સાથે રમત નથી રમી રહી?
કેન્સરકારક તત્ત્વોની તપાસ તો દૂર, દેશમાં વેચાતા મસાલામાં કેટલા બનાવટી રંગો ઉમેરાય છે, જાહેરાતોમાં ખોટેખોટા દાવા કરાય છે, મસાલાના પેકેટ પર તત્ત્વોના ખોટા પ્રમાણ છપાય છે, ભેળસેળ થાય છે, એનો તો કોઈ હિસાબ જ નથી.
લાગે છે કે, અન્ય ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોની જેમ હવે ભારતીયોએ મસાલા બાબતે પણ ભગવાન ભરોસે જ રહેવું પડશે.
સંસાધનોનો અભાવ
ભારતમાં મસાલાના પરિક્ષણ બાબતે ઉદાસીનતા તો જોવા મળે જ છે, પણ એનું એક કારણ એ પણ છે કે ખાદ્યપદાર્થોનું પરિક્ષણ કરી શકે એવી પ્રયોગશાળાઓ ભારતમાં ઓછી છે. સરકારી પ્રયોગશાળાઓમાં અત્યાધુનિક સાધનો અપૂરતા પ્રમાણમાં હોવાથી પરિક્ષણ માટેના નમૂનાઓને પ્રાઇવેટ પ્રયોગશાળાઓમાં મોકલવા પડે છે અને એવી સક્ષમ પ્રયોગશાળાઓ દેશમાં ફક્ત 73 છે.
મસાલાના વેપાર પર પ્રતિકૂળ અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના મસાલાને મળેલી આ પહેલી પછડાટ નથી. અગાઉ 2023 માં જંતુનાશકોના અવશેષો મળી આવવાને કારણે અમેરિકાએ ભારતમાંથી નિકાસ કરાયેલા 8 ટકા અને જર્મની 18 ટકા મસાલા પાછા મોકલી દીધા હતા. ભારત સરકારે આ મામલે કશુંક નક્કર કરવું પડશે નહીંતર ભારતમાંથી નિકાસ થતા વાર્ષિક 4.46 અબજ ડોલરના મસાલા-વ્યાપાર પર એની પ્રતિકૂળ અસર પડશે.