રવિવારે ચક્રવાતની આગાહી, 102 કિમી ઝડપે પવન ફૂંકાશે, દેશના આ વિસ્તારોમાં અસર થવાની શક્યતા
Cyclone Remal: ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે. અને ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે, જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર 102 કિમી ઝડપે પવન ફૂંકાશે.
ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેના પગલે રવિવાર સાંજ સુધીમાં, તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. IMDના જણાવ્યાનુસાર 'બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર, આ ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે. રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.'
હવામાન વિભાગે માછીમારોને આપી સૂચનાઓ
હવામાન કાર્યાલયે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.
દરિયાની સપાટીના તાપમાનમાં વધારો
હવામાન વિભાગના જણાવ્યાનુસાર દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે. આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈના જણાવ્યા મુજબ, 'દરિયાઈ સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે.' કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે 'નીચા દબાણની સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાય તે માટે દરિયાની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જરૂરી છે. બંગાળની ખાડીમાં સપાટીનું તાપમાન હાલમાં 30 ડિગ્રી સેલ્સિયસ છે.'