ચક્રવાત ''વિપા ઉંગ'' અતિ તીવ્ર બનશે, ચેન્નાઈમાં ભારેથી અતિ ભારે વર્ષાની આગાહી
- આઈ.એમ.ડી.એ ફરી આપેલી ચેતવણી
- 5 ડીસે. સુધીમાં ઉત્તર તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના સમુદ્ર તટના વિસ્તારો જળબંબાકાર બનવા સંભવ
પુના, ચેન્નાઈ : બંગાળના ઉપસાગરના દક્ષિણ-પૂર્વ તટે જામી રહેલો ચક્રવાત ''વિપા ઉંગ'' તીવ્ર બનવા સંભવ છે અને તે આવતીકાલ તા. ૫ ડીસેમ્બરે ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના સમુદ્ર તટના વિસ્તારોને જળબંબાકાર બનાવી દેશે.
આ ચેતવણી ઉચ્ચારતા હવામાન વિભાગે (આઈ.એમ.ડી.એ) જણાવ્યું છે કે ચેન્નાઈમાં તા. ૪ થી ૫ દરમિયાન ભારેથી અતિભારે વર્ષા થવાની સંભાવના છે. સાથે સમગ્ર તમિલનાડુમાં પણ વર્ષા થશે.
હવામાન વિભાગ વધુમાં જણાવે છે કે ''અત્યારે આ ચક્રવાત બંગાળના ઉપસાગરની નૈઋત્વે (દક્ષિણ-પશ્ચિમે) જામ્યો છે. તે હવે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને પશ્ચિમ મધ્ય તરફ જતા તો તે તીવ્ર બની રહેવા સંભવ છે. પરિણામે સોમવાર સાંજ સુધીમાં દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના સમુદ્ર તટના વિસ્તારો જળબંબાકાર બની રહેવા સંભવ છે. '' આ સાથે હવામાન વિભાગે તેવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે આ ચક્રવાત ધીમે ધીમે દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારને સમાંતર આગળ વધી, ૫મી ડિસેમ્બર બપોર સુધીમાં બળતલા પાસેના નેલ્લોર અને મછલીપટ્ટનમ્ વચ્ચે તીવ્ર ચક્રવાતમાં પરિણમવા સંભવ છે. ત્યારે તે સાથે કલાકના ૯૦ થી ૧૦૦ કિમીની ઝડપે પવન પણ ફુંકાશે જે કદાચ કલાકના ૧૧૦ કિ.મી.ની ગતિ પણ પકડી શકશે.
આ ચક્રાવાતને પરિણામે ચેન્નાઈના કેટલાયે વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. શહેરના મદુરાવૉયલ, પોરૂર અને શાલીગ્રામ જેવા વિસ્તારોમાં વૉટર-લોગિંગ થઈ ગયું છે. વલાસર્વકમ્ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ઉખડી ગયા છે.
આ સંજોગોમાં વિમાન સેવાઓ બંધ કરાઈ છે અનેક ટ્રેનો પણ બંધ રાખવી પડી છે. ચેન્નાઈથી અમદાવાદ જતી તેમજ થિરૂવનંથપુરમ્ જતી ટ્રેનો રદ કરાઈ છે. દુબઈ અને શ્રીલંકા જતી અંતર-રાષ્ટ્રીય વિમાન સેવાઓ રદ કરાઈ છે. જ્યારે વિદેશોથી આવતી વિમાન સેવાઓને બેગલુરૂ 'ડાઈવર્ટ' કરવામાં આવી છે.