ચક્રવાતમાં ફેરવાયું 'રેમલ': 21 કલાક માટે બંધ કરાશે કોલકાતા એરપોર્ટ, અતિભારે વરસાદનું એલર્ટ
Cyclone Remal: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન હવે ચક્રવાત ‘રેમલ’માં પરિવર્તિત થયું છે. રવિવારે (16મી મે) મોડી રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ પ્રિ-મોનસૂન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાતી તોફાન છે. રેમલ વાવાઝોડાના કારણે સિયાલદાહ અને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના નામખાના, કાકદ્વીપ, સિયાલદહ-ઉત્તર 24 પરગણાના હસનાબાદ વચ્ચે ચાલતી ટ્રેન સેવા સોમવાર સુધી બંધ કરવામાં આવી છે.
અહીં અતિભારે વરસાદ પડી શકે છે
પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26મીથી 27મી મેના રોજ અતિભારે વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગોમાં 27મીથી 28મી મે દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. જેના કારણે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લા માટે 26મી અને 27મી મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રેમલ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ રવિવાર બપોરથી 21 કલાક માટે વિમાન સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમ તહેનાત
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ રેમલ વાવાઝોડું માટે તૈયારી કરવા માટે સક્રિય પગલાં લીધાં છે. દરિયામાં જાનમાલના સંભવિત નુકસાનને ઘટાડવા માટે રાહત અને બચાવની ટીમ તહેનાત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ' એનડીઆરએફની નવ ટીમ હલ્દિયા, પારાદીપ, ગોપાલપુર અને ફ્રેઝરગંજ સહિતના સ્થળો પર તહેનાત કરવામાં આવી છે, જે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.'
બંગાળના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં એક-બે સ્થળોએ 80થી 90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાંચો: '..તો અમારી જવાબદારી રહેશે નહીં', ગેમ ઝોનમાં પ્રવેશનાર લોકો પાસે ફોર્મ પર સહી લેવાતી