દેશના આ જિલ્લામાં રેમલ વાવાઝોડાના કારણે રેડ એલર્ટ, 110 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો અપડેટ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
દેશના આ જિલ્લામાં રેમલ વાવાઝોડાના કારણે રેડ એલર્ટ, 110 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો અપડેટ 1 - image


Cyclone Remal: બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પૂર્વીય પવનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે (25મી મે) આગાહી કરી છે કે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. જેની અસર પશ્ચિમ બંગાળથી બિહાર સુધી થઈ શકે છે. ચોમાસા પહેલા આ સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે. ઓમાન દ્વારા આ વાવાઝોડાને ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર, રેમલ વાવાઝોડું રવિવારે (26મી મે) મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચેથી પસાર થઈ શકે છે અને તે ગંભીર ચક્રવાતી તોફાન (SCS) બની શકે છે. આઈએમડીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'પૂર્વ મધ્યમાં  બંગાળની ખાડી પરનું ડિપ્રેશન સાગર દ્વીપ (WB)ના 380 કિમી દક્ષિણપૂર્વમાં અને તે જ પ્રદેશમાં ખેપુપારા (બાંગ્લાદેશ)થી 490 કિમી દક્ષિણમાં ઊંડા ડિપ્રેશનમાં તીવ્ર બન્યું છે. તે 25મીની સાંજ સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને 26મીએ મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વચ્ચે પસાર થશે.

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડી શકે છે

25મીથી 27મી મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે. ભારેથી અતિભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં અતિ ભારે વરસાદની પણ શક્યતા છે. ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વરસાદ પડી શકે છે. તમામ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટીમ તહેનાત

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)એ રેમલ વાવાઝોડું માટે તૈયારી કરવા માટે સક્રિય પગલાં લીધાં છે. દરિયામાં જાનમાલના સંભવિત નુકસાનને ઘટાડવા માટે રાહત અને બચાવની ટીમ તહેનાત કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ' એનડીઆરએફની નવ ટીમ હલ્દિયા, પારાદીપ, ગોપાલપુર અને ફ્રેઝરગંજ સહિતના સ્થળો પર તહેનાત કરવામાં આવી છે, જે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.'

આ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લામાં 26મી અને 27મી મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં 27મી અને 28મી મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે અથડાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. આ ઉપરાંત દરિયામાં હાજર માછીમારોને 27મી મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે 26મી અને 27મી મેના રોજ રેડ એલર્ટ  જાહેર કર્યું છે.

110 કિમીની ઝડપે ફૂંકાશે પવન

26મી અને 27મી મેના રોજ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાં પવનની ઝડપ 100થી 110 કિમી પ્રતિ કલાક અને ઉત્તર 24 પરગણામાં 90થી 100 કિમી પ્રતિ કલાકથી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેવાની ચેતવણી આપી છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

બંગાળના આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં એક-બે સ્થળોએ 80થી 90 કિમી પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

દેશના આ જિલ્લામાં રેમલ વાવાઝોડાના કારણે રેડ એલર્ટ, 110 કિમીની ઝડપે ફૂંકાશે પવન, જાણો અપડેટ 2 - image


Google NewsGoogle News