તબાહી મચાવવા માટે આવી રહ્યું વાવાઝોડું 'રેમલ', IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું એલર્ટ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
તબાહી મચાવવા માટે આવી રહ્યું વાવાઝોડું 'રેમલ', IMDએ આ રાજ્યો માટે જાહેર કર્યું એલર્ટ 1 - image


Image Source: Twitter

Cyclone Remal: વાવાઝોડું રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રવિવાર સાંજ સુધીમાં ટકરાશે. આ વાવાઝોડા અંગે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધુ છે. આ બંગાળની ખાડીમાં ચોમાસાની સિઝનનું પ્રથમ વાવાઝોડું હશે.

આ વાવાઝોડાના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.

આગળ વધી રહ્યું વાવાઝોડું

હવામાન વિભાગે જણાવ્યું કે, 24 મેના રોજ પશ્ચિમ મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડી પર ચિન્હિત નીચા દબાણનું ક્ષેત્ર 24 મે ના રોજ મધ્ય બંગાળની ખાડીની ઉપર ખેપુપારા (બાંગ્લાદેશ)થી લગભગ 800 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કેનિંગ (પશ્ચિમ બંગાળ)થી 810 કિમી દક્ષિણમાં એક વાવાઝોડામાં ફેરવાઈ ચૂક્યું છે. આ વાવાઝોડું હાલમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 26 મેની મધ્યરાત્રિની આસપાસ સાગર દ્વીપ અને ખેપુપારા વચ્ચે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરી શકે છે. 

આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું કે, 27 અને 28 મેના રોજ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 મેના રોજ વરસાદ પડવાની શક્યતા છે. 

દરિયામાં ન જવાની આપી સલાહ

વાવાઝોડુંને ધ્યાનમાં રાખી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત પહેલાથી જ દરિયામાં રહેલા માછીમારોને 26 મે પહેલા દરિયાકાંઠે પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

બચાવ માટે ટીમ તૈનાત કરવામાં આવી

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ વાવાઝોડું રેલમને પહોંચી વળવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. દરિયામાં જાનમાલના સંભવિત નુકસાનને ઘટાડવા માટે નવ ડિઝાસ્ટર રાહત ટીમોને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરી છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, 9 ડિઝાસ્ટર રાહત ટીમોને હલ્દિયા, પારાદીપ, ગોપાલપુર અને ફ્રેઝરગંજમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત 10 જહાજ અને 2 એરક્રાફ્ટ પૂર્વ કિનારે તૈનાત કરવામાં આવ્યા છે, જેથી તેઓ દરિયામાં હાજર કે જતા માછીમારો પર નજર રાખી શકે.


Google NewsGoogle News