પ. બંગાળમાં રેમલ વાવાઝોડાંનો તરખાટ, છનાં મોત, 29 હજાર મકાનો ધરાશાયી
- કોલકાત્તાથી આઠ, ત્રિપુરાથી 11 ફ્લાઈટ રદ્ : 42 ટ્રેન કેન્સલ કરવી પડી
- બંગાળમાં 2200 વૃક્ષો, 1700 વીજ થાંભલા ધ્વસ્ત, 1438 રાહત કેમ્પોમાં અઢી લાખથી વધુ અસરગ્રસ્તોને આશરો, આસામમાં ભારે વરસાદ
- પશ્વિમ બંગાળમાં 24 કલાકમાં ચારથી પાંચ ઈંચ વરસાદ, પૂર્વોત્તરના રાજ્યોમાં એલર્ટ
કોલકાત્તા : રેમલ વાવાઝોડાંએ પશ્વિમ બંગાળમાં હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો બેઘર બન્યા છે અને તેમને આશ્રયગૃહોમાં આશરો આપવામાં આવ્યો છે. રાજ્યમાં તોફાની પવન ફૂંકાતા ૧૭૦૦થી વધુ વીજ થાંભલા પડી ગયા હતા. અનેક જિલ્લામાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાઈ હતી. અસંખ્ય ટ્રેન રદ્ કરવાની ફરજ પડતાં હજારો મુસાફરો ફસાઈ ગયા હતા. ૨૯ હજારથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે. પશ્વિમ બંગાળ ઉપરાંત આસામમાં પણ ભારે વરસાદ પડયો હતો. પશ્વિમ બંગાળમાં રેમલ વાવાઝોડાંએ છ લોકોનો ભોગ લીધો હતો.
રેમલ વાવાઝોડાંએ પશ્વિમ બંગાળના કાંઠા વિસ્તારોને ધમરોળ્યા હતા. સરકારી આંકડા પ્રમાણે ૨૫૦૦ ઘરો તો સાવ ધ્વસ્ત થઈ ગયા હતા. ૨૭ હજાર મકાનોને એટલું નુકસાન થયું હતું એ રહેવાલાયક બચ્યા ન હતા. ૨.૭૭ લાખથી વધુ લોકોને રાજ્યન ૧૪૩૮ રાહત છાવણીઓમાં આશરો અપાયો હતો અને તેમને ફૂડ પેકેટ્સ અપાયા હતા. વાવાઝોડાંમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
રાજ્યમાં ૨૨૦૦ વૃક્ષો પડી ગયા હતા. કોલકાત્તાથી આઠ ફ્લાઈટ રદ્ થઈ હતી. ત્રિપુરાથી પણ ૧૧ ફ્લાઈટ રદ્ કે ડાઈવર્ટ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. સૌથી વધુ ટ્રેનના મુસાફરો અટવાયા હતા. પશ્વિમ બંગાળ, આસામ સહિતના રૂટ પર દોડતી ૪૨ ટ્રેનો કેન્સલ થઈ હતી. પશ્વિમ બંગાળમાં જ છેલ્લાં ૨૪ કલાકમાં સરેરાશ ચારથી પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હજુય વરસાદની આગાહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અસરગ્રસ્તોને જરૂરી મદદ કરવાની ખાતરી આપી હતી અને રાહતની પ્રક્રિયાનું મોનિટરિંગ કરતાં હોવાનું જણાવ્યું હતું.
તે ઉપરાંત આસામમાં પણ ભારે વરસાદ થયો હતો. આસામના કેટલાય જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયો છે. ત્રિપુરાના અમુક વિસ્તારોમાં ે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. રાજ્યમાં દોઢથી બે ઈંચ વરસાદ પડયો હતો. રેમલ વાવાઝોડું ઝડપથી નબળું પડી રહ્યું હોવાનું હવામાન વિભાગે કહ્યું હતું. તેની ઝડપ પ્રતિકિલોમીટર ૭૦ની આસપાસ થઈ જશે.