ઉત્તર ભારતમાં વંટોળીયા વરસાદનો કેર ઉત્તર પ્રદેશ, બિહારમાં 22 લોકોનાં મોત
- ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા સ્થગિત
- હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ નદીઓ જોખમી સ્તર વટાવ્યું, આસામમાં 30 જિલ્લામાં 24.5 લાખ લોકો મુશ્કેલીમાં
નવી દિલ્હી : ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં વંટોળિયા વરસાદના કારણે ભારે તારાજી થઈ છે અને અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહારમાં નદીઓના જળસ્તર ઊંચા આવ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહારમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં કુલ ૨૨ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે આસામમાં પૂર જેવી સ્થિતિથી ૩૦ જિલ્લામાં ૨૪.૫ લાખ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.
ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં મૂશળધાર વરસાદના કારણે અમરનાથ યાત્રા અટકાવાઈ છે. પવિત્ર ગુફા તરફ જતા પહેલગામ અને બાલટાલના બંને માર્ગો બંધ કરી દેવાયા છે. શ્રદ્ધાળુઓને પાછા બેઝ કેમ્પમાં મોકલવામાં આવી રહ્યા છે. વરસાદ રોકાયા પછી જ શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી અપાશે. આ સિવાય પૂંચ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે ૩૦ વર્ષીય એક મહિલા તણાઈ ગઈ હતી. તેનો મૃતદેહ પૂંચ જિલ્લાના સબ ડિવિઝન મેંધારના કેરી કાંગ્રામાંથી મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં મૂશળધાર વરસાદના કારણે ૬૨ રોડ બંધ થઈ ગયા છે, ૧૫૪ ટ્રાન્સફોર્મર ખોટકાઈ ગયા છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮.૩ મીમી વરસાદ પડયો હતો. રાજ્યમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓના કારણે કુલ ૧૪ લોકોનાં મોત નીપજ્યાં હતા. ઉત્તર પ્રદેશમાં ૭૫ જિલ્લામાંથી ૪૫માં ભારે વરસાદ પડયો હતો. સરસ્વતિમાં મહત્તમ ૬૫.૫ મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય સુપૌલ, બસંતપુર, ખગરિયા અને બેલ્દૌરમાં કોસી નદી જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. એ જ રીતે મધુબની, જયનગર અને ઝાંઝપુરમાં કમલા નદીમાં પાણીનું સ્તર ચેતવણીજનક સ્તરે પહોંચી ગઈ છે. ગોપાલગંજમાં ગંડદ નદીનું પાણી રેડ માર્ક વટાવી ગયું છે.
બિહારના છ જિલ્લામાં વીજળી પડવાથી નવ લોકોનાં મોત થયા છે. જેહાનાબાદ, માધેપુરા, પૂર્વ ચંપારણ, રોહતાસ, સરન અને સુપૌલ જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ દુર્ઘટનાનો ભોગ બનેલાના પરિવારજનોને રૂ. ૪ લાખનું વળતર જાહેર કર્યું છે.
આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં અલકા નદીનું જળ સ્તર એક કલાકમાં જ બે મીટર જેટલું વધી ગયું હતું, જેના કારણે નદી કિનારે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તંત્રે નદી કિનારાના લોકોને વારંવાર સલામત સ્થળે જવા માટે જણાવ્યું છે. ઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાઈ છે. મૂશળધાર વરસાદના કારણે ભાગીરથી નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. અનેક પર્વતીય ક્ષેત્રોમાં ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. રાજધાની દિલ્હીમાં આજે આખો દિવસ હળવો વરસાદ વરસ્યો હતો. આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી વંટોળીયા વરસાદના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે. આસામમાં મોટાભાગની નદીઓમાં પાણી જોખમી સ્તરથી ઉપર વહી રહ્યા છે. ૩૦ જિલ્લામાં ૨૪.૫ લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે. કામરુપ, દિબુ્રગઢ સહિત ત્રણ જિલ્લામાં પૂર આવ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં આસામમાં પૂરના કારણે ૬૨થી વધુ લોકોનાં મોત થયા છે. કાઝિરંગા નેશનલ પાર્કમાં પૂરમાં શનિવાર સુધીમાં ૧૧૪ પ્રાણીઓનાં મોત થયા છે જ્યારે ૯૫ને બચાવાયા છે.