આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું 'મિચોંગ' ટકરાશે, ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ

તમિલનાડુ સરકારે વાવાઝોડાને ધ્યાને રાખી અનેક જિલ્લાઓમાં રજા જાહેર કરી

250 NDRF કર્મચારીઓની 18 ટીમો તૈનાત કરવામાં આવી

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું 'મિચોંગ' ટકરાશે, ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ 1 - image


Cyclone michaung update : આજે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે ભયાનક ચક્રવાત 'મિચોંગ' ત્રાટકી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતને કારણે 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે જેને પગલે ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

મિચોંગ' હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું

બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતી વાવઝોડું 'મિચોંગ' હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે.  આજે તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે. મિચોંગની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જોવા મળી રહી છે. ગઈકાલે અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ દ્વારા એ પણ સંભાવના વ્યક્ત કરી છે કે આગામી એક-બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ચક્રવાત મિચોંગને લઈને તમિલનાડુમાં રેડ એલર્ટ, ઓડિશાના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આંધ્ર પ્રદેશના 8 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.

ચેન્નઈના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબ્યા

ચેન્નઈમાં ગઈકાલે ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું જ્યારે કેટલાક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાય ગયા હતા. રસ્તાઓ જળમગ્ન થવાના કારણે આવન-જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાજ્યની રાજધાનીના ઘણા વિસ્તારો અને આસપાસના કાંચીપુરમ, ચેંગલપટ્ટૂ અને તિરુવલ્લૂર જિલ્લા જળમગ્ન થઈ ગયા છે.

આજે અનેક જિલ્લાઓમાં રજાઓ જાહેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન સાથે ફોન પર સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે મુખ્યમંત્રીએ કહ્યું કે, જરૂર પડશે તો વાવાઝોડા બાદ રાહત કાર્ય શરૂ કરવા કેન્દ્ર પાસેથી મદદ માગશે. તમિલનાડુ સરકારે વાવાઝોડાને ધ્યાને રાખી ચેન્નઈ, તિરવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટૂ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી ઓફિસો, નાણાંકીય સંસ્થાઓ અને બેંકો આજે બંધ રાખવાની જાહેરાત કરી છે.

 ચક્રવાત મિચોંગને પગલે 70 ફ્લાઈટો રદ કરાઈ

એક સત્તાવાર જાહેરાતમાં જણાવાયું છે કે, અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી માટે 250 NDRF કર્મચારીઓની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. ચેન્નઈના વિમાન મથકો બંધ કરી દેવામાં આવ્યા છે. સતત વરસાદને કારણે 70 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, પાણી ભરાવાના કારણે રનવે અને ટારમૈક બંધ કરાયા છે.

આજે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું 'મિચોંગ' ટકરાશે, ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ 2 - image


Google NewsGoogle News