VIDEO: પશ્ચિમ બંગાળમાં ભયંકર વાવાઝોડું, 35 કાચા મકાનો તૂટ્યા, અનેક લોકો ઈજાગ્રસ્ત
Cyclone in West Bengal : પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે 35 કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ છે. આ આફતમાં ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે.
દિવાલો તૂડી, ખેતરોનો પાક નાશ
મીડિયા રિપોર્ટ મુજબ, સ્થાનિકોએ કહ્યું કે, ‘વાવાઝોડું એટલું ઝડપી અને ભયંકર હતું કે, અમને બચવાનો પણ સમય ન મળ્યો. થોડી જ મિનિટોમાં અનેક ઘરોની છત ઉડી ગઈ, દિવાલો તૂટી ગઈ અને ખેતરોનો પાક નાશ પામ્યો. આ વાવાઝોડાએ બધું જ નષ્ટ કરી નાખ્યું. ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક સંપૂર્ણ નાશ પામ્યો. અમારા કેટલાક પશુઓ પણ વાવાઝોડાની ઝપેટમાં આવતા મૃત્યુ પામ્યા.’
આ પણ વાંચો : પૂર્વ CM કેસીઆર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનારને ચપ્પાંના ઘા મારી મોતને ઘાટ ઉતારાયો
સૌથી વધુ ખેડૂતોને નુકસાન
વાવાઝોડામાં સૌથી વધુ આર્થિક નુકસાન ખેડૂતોને થયું છે. અચાનક ઝડપી પવન આવતા ખેતરોમાં અનેક પાક બરબાદ થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, મંગળવારે લગભગ બપોરે 3.15 કલાકે વાવાઝોડું આવ્યું હતું.
રાહત-બચાવ કામગીરી પૂરજોશમાં
વાવાઝોડાની માહિતી મળતા જ વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે. તંત્ર દ્વારા ઉત્તર 24 પરગણામાં ટીમ ઉતારી દેવાઈ છે અને રાહત-બચાવ કામગીરી પુરજોશમાં શરુ કરી દેવાઈ છે. આફતમાં અનેક ઘરો ધરાશાઈ થતા લોકો મુશ્કેલીમાં આવી ગયા છે, એટલું જ નહીં તેઓ પાણી અને ભોજન સહિતની સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે.