ફેંગલ વાવાઝોડાએ મચાવી તબાહી, ભારત-શ્રીલંકામાં 19નાં મોત, પુડ્ડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડબ્રેક
Cyclone Fengal updates : ફેંગલ વાવાઝોડાએ એટલી હદે તબાહી મચાવી છે કે ભારત અને શ્રીલંકામાં 19 લોકો મોતના મુખમાં સરી ગયા છે. વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તો એટલો ભારે વરસાદ પડ્યો કે જનજીવન જ ખોરવાઈ ગયું અને પુડ્ડુચેરીમાં વરસાદનો 30 વર્ષનો રેકોર્ડબ્રેક થઇ ગયો.
ચેન્નઈ-પુડ્ડુચેરીની હાલત ખરાબ...
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે ભારતના દક્ષિણ તટ અને બંગાળની ખાડી પાર કર્યા બાદ આ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. પુડ્ડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં જેટલો વરસાદ પડ્યો છે એટલો છેલ્લા 30 વર્ષમાં ક્યારેય નોંધાયો નથી. ચેન્નઈ પણ લગભગ પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે. બીજી બાજુ કર્ણાટકમાં સરહદી વિસ્તારોમાં આ તોફાનની ભારે અસર દેખાવા લાગી હતી. અહીં ઉથાનગરાઈ અને ક્રિષ્ણાગિરીમાં રેકોર્ડ 503 મિમી વરસાદ નોંધાયો હતો. જેના પગલે ભારે તારાજી સર્જાઈ અને પાર્ક કરેલા વાહનો પણ તણાઈ ગયા હતા જેમાં બસોનો વીડિયો સામે આવ્યો છે જે તબાહીનો અંદાજ આપી દે છે.
ચેન્નઈમાં અનેક ફ્લાઈટો રદ
માહિતી અનુસાર વાવાઝોડાની અસર એટલી ભયાનક હતી કે એરપોર્ટનું સંચાલન પણ ખોરવાઈ ગયું હતું અને અનેક ફ્લાઈટો રદ કે મોડી કરવામાં આવી હતી. જોકે રવિવારે ફરી એકવાર ચેન્નઈમાં ફ્લાઈટોનું સંચાલન શરૂ તો થયું પણ અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઇ ગયું હતું.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ દરમિયાન સોશિયલ મીડિયા એક એવો વીડિયો સામે આવ્યો જેમાં બતાવાયું કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વૃક્ષો ઉખડી ગયા છે અને વીજળી તથા ટેલીફોનના થાંભલા પણ તૂટી પડ્યા હતા. હાલમાં રાજ્યમાં એનડીઆરએફ, એસડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ તોફાનની અસર લગભગ 1.38 લાખ લોકો પર થઇ હતી.