Get The App

વાવાઝોડું ફેંગલ વિનાશ વેરવા તૈયાર, શાળાઓમાં રજા, ભારે વરસાદનું એલર્ટ, જાણો હવે કેટલું દૂર?

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Cyclone Fengal


Cyclone Fengal Updates: ફેંગલ વાવાઝોડાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનાં અણસાર છે. જયારે તમિલનાડુ અને પુડુચેરીમાં ચેતવણી જારી કરતા શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. 

આગામી બે દિવસ માટે રજાની જાહેરાત

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે. જેના કારણે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. પુડુચેરીના ગૃહમંત્રી એ. નમાસિવાયમે અહીંની તમામ શાળાઓમાં આગામી બે દિવસ માટે રજાની જાહેરાત કરી છે.

તમિલનાડુમાં નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચેતવણી જાહેર 

ચેન્નાઈ પ્રાદેશિક હવામાન કેન્દ્રના નિર્દેશક એસ બાલાચંદ્રને કહ્યું કે બંગાળની ખાડીમાં તીવ્ર દબાણનો વિસ્તાર બની રહ્યો છે. તેમજ વાવાઝોડું નાગાપટ્ટિનમ દક્ષિણ પૂર્વથી લગભગ 310 કિમી, પુડુચેરી દક્ષિણ પૂર્વથી 410 કિમી અને ચેન્નાઈથી 480 કિમી દૂર છે. જયારે તમિલનાડુમાં નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામતીના ધોરણોનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.

વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે

પ્રાદેશિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ફેંગલ વાવાઝોડું શ્રીલંકાના દરિયાકાંઠે લગભગ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે. તે આગામી 12 કલાક દરમિયાન ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. જેથી 30મી નવેમ્બરની સવારની આસપાસ, તે તીવ્ર દબાણ વિસ્તાર તરીકે કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તરીય તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. આ સમયગાળા દરમિયાન, 50-60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29 અને 30 નવેમ્બરે તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં 29 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. 

આ પણ વાંચો: ટ્રકની ટક્કરે જાનૈયાઓને લઈ જતી કારનું કચ્ચરઘાણ, અમેઠીમાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 5 ઘાયલ

કેરળ, માહે અને દક્ષિણ કર્ણાટક તેમજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. ઈસરો 23 નવેમ્બરથી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોની મદદ માટે નેવી, એચએડીઆર અને એસએઆર ટીમો તૈનાત છે. NDRFએ જણાવ્યું હતું કે તેની ટીમે ટીઆર પટ્ટનમ, કરાઇકલમાં સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે જોખમ મૂલ્યાંકન અને સલામતીનાં પગલાં અંગે ચર્ચા કરી હતી.

વાવાઝોડું ફેંગલ વિનાશ વેરવા તૈયાર, શાળાઓમાં રજા, ભારે વરસાદનું એલર્ટ, જાણો હવે કેટલું દૂર? 2 - image


Google NewsGoogle News