તારાજીના ભયાનક દ્રશ્યો: તમિલનાડુમાં ત્રાટક્યું ફેંગલ વાવાઝોડું, ત્રણના મોત, અનેક વિસ્તારો જળમગ્ન
Cyclone Fengal in Tamil Nadu: તમિલનાડુ અને પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત 3 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જો કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 3-4 દિવસમાં વાવાઝોડું નબળું પડશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પુડુચેરી શહેરમાં ફેંગલ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યાં રવિવારે (પહેલી ડિસેમ્બર)19 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વર્ષ 1995-2024 દરમિયાન છેલ્લા 30 વર્ષમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, તમિલનાડુ અને પુડુચેરી પર આકાશ કાળા વાદળોથી ઢંકાયેલું છે.
ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ
તમિલનાડુ અને પુડુચેરીના ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ પર વાહનોના લાંબા જામ થઈ ગયા હતા. સામાન્ય જનજીવનની સાથે બસ, ટ્રેન અને ફ્લાઈટને પણ અસર થઈ હતી. બચાવ ટીમ ફેંગલ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનું સ્તર 5 ફૂટ સુધી પહોંચી ગયું હતું, જેમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા હતા.
આંધ્ર પ્રદેશમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી
આંધ્ર પ્રદેશના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ફેંગલ વાવાઝોડાની અસર SPSR-નેલ્લોર, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાના કેટલાક સ્થળોએ જોવા મળી રહી છે. કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ગાજવીજની પણ શક્યતા છે. હાલમાં, પુડુચેરી અને તમિલનાડુમાં લગભગ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.