130 kmની ઝડપે આગળ વધતું 'દાના' વાવાઝોડું રાત્રે ઓડિશામાં ટકરાશે, લાખો લોકોનું સ્થળાંતર, 16 માછીમાર ગુમ
Cyclone Dana : 'દાના' વાવાઝોડું ગુરૂવાર રાત્રે અથવા શુક્રવાર સવારે ઓડિશાના દરિયાકિનારે ટકરાઈ શકે છે. ત્યારબાદ તે પશ્ચિમ બંગાળ પહોંચે તેવી આગાહી છે. સરકાર અને સ્થાનિક જિલ્લા તંત્ર સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને અલર્ટ કરી દેવાયા છે. વાવાઝોડાથી બચાવ માટે NDRFની 288 ટીમો ઓડિશામાં તૈનાત કરાઈ છે. આ સિવાય રાજ્યના 14 જિલ્લાઓથી 10 લાખ લોકોનું સુરક્ષિત શિબિરો પર સ્થળાંતર કરાયું છે. જ્યારે આ વાવાઝોડું સપાટી પર આવે છે ત્યારે તેની ઝડપ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તોફાનના કારણે ઓડિશા અને બંગાળમાં ભારે પવન ફૂંકાશે અને ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બંગાળ અને ઓડિશા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાને જોતા બંને રાજ્યોમાં NDRFની ઘણી ટીમો એલર્ટ પર છે. કોલકાતા એરપોર્ટ પર આજે સાંજથી આવતીકાલ સવાર સુધી ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવી છે. 200 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. તોફાનની અસર બિહાર અને ઝારખંડ સુધી જોવા મળી શકે છે.
ઓડિશામાં રાત્રે વાવાઝોડું થશે લેન્ડફૉલ
વાવાઝોડાની અસર ગુરુવાર રાત્રિથી દેખાવા લાગી છે. રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને વાવાઝોડું લેન્ડફૉલ રાત્રે થશે. હવામાન વિભાગના અનુસાર, દાના વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં દેખાઈ શકે છે. વાવાઝોડું રાષ્ટ્રીય ઉદ્યાન અને ધામરા બંદરગાહ વચ્ચે ટકરાઈ શકે છે. આ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડાની ગતિ 110 થી 130 કિલોમીટર
બંગાળના ઉત્તર-પશ્ચિમ ખાડીની ઉપર ભયંકર વાવાઝોડું દાના ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવા અને 24 તારીખે અડધી રાત્રે 25 ઓક્ટોબર, 2024ની સવારે થિતરકનિકા અને ધમારા (ઓડિશા)ની નજીક પુરૂ અને સાગર દ્વીપની વચ્ચે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારાને પાર કરવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.
અમે લોકોને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છીએ : મમતા
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વાવાઝોડા પહેલા સ્થિતિની સમીક્ષા કરવા માટે હાવડામાં કંટ્રોલ રૂમ પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે લોકોને કાઢવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમે 3 લાખ 51 હજાર 941 લોકોની ઓળખ કરી છે. 1 લાખ 58 હજાર 837 લોકો રાહત શિબિરમાં છે. અમે 851 રાહત શિબિર ચલાવી રહ્યા છીએ. 24 કલાક હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
આજની રાત મહત્ત્વપૂર્ણ : સ્પેશિયલ રિલીફ કમિશ્નર
વાવાઝોડાને લઈને ઓડિશાના વિશેષ રાહત કમિશનર દેવરંજન સિંહે કહ્યું કે, 'હજુ સુધી બધુ નિયંત્રણમાં છે, અધિકારી અલગ-અલગ જગ્યાઓ પર સ્થિતિની દેખરેખ કરી રહ્યા છે. આજની રાત્રે ખુબ જ મહત્ત્વપૂર્ણ છે અને કાલે સવારે વાવાઝોડું આવ્યા બાદ અમે સ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરીશું.'
200થી વધુ ટ્રેન રદ
વાવાઝોડાની આગાહીના કારણે રેલવે વિભાગે 200થી વધુ ટ્રેનો રદ કરી દીધી છે.
પીએમ મોદી અને અમિત શાહે ઓડિશાના મુખ્યમંત્રી સાથે કરી વાત
વાવાઝોડાંને લઈને વડાપ્રધાન મોદીએ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સાથે ફોન પર ચર્ચા કરી છે. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઓડિશાના મુખ્યમંત્રી સાથે વાત કરી અને કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિને મોનિટર કરી રહ્યું છે અને વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોમાં અત્યાર સુધી 56 NDRFની ટીમો મોકલી દીધી છે.