આવી રહ્યું છે 'દાના' વાવાઝોડું! 48 કલાક અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં સૌથી વધુ ખતરો
Cyclone Alert : ભારતીય હવામાન વિભાગે (IMD) વધુ એક વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ‘દાના’ વાવાઝોડું આવી શકે છે, જેના કારણે ઓડિશા,પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, અંદામાન અને નિકોબારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાવાઝોડાની સંભાવના
હવામાન વિભાગે એક વિશેષ બુલેટિનમાં કહ્યું છે કે, આગામી 24 કલાકમાં આંદામાન સમુદ્રમાં ઉદભવેલું સાયક્લોનિક સરક્યુલેશન સોમવાર સુધીમાં લો પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે. ત્યારબાદ તે પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધશે તેમજ 22 ઓક્ટોબરની સવાર સુધીમાં દબાણમાં ફેરવાઈ જશે. ત્યારબાદ આ સિસ્ટમ 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર વાવાઝોડામાં તબદીલ થવાની આશંકા છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી
આઈએમડીએ એમ પણ કહ્યું કે, હવામાન સિસ્ટમ વાવાઝોડામાં તબદીલ થયા બાદ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની તેમજ 24 ઓક્ટોબરની સવારે ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તાર પાસે બંગાળની ખાડીની ઉત્તર-પશ્ચિમ તરફ પહોંચવાની પ્રબળ સંભાવના છે. આ સિસ્ટમના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયામાંથી પરત આવવાની સલાહ અપાઈ છે.
હવામાન વિભાગનું અનેક રાજ્યોને એલર્ટ
આઈએમડીએ જણાવ્યું છે કે, ચક્રવાતી વાવાઝોડાના કારણે આંદામાન ટાપુઓમાં 20 અને 21 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે ઓડિશામાં 23થી 25 ઓક્ટોબરે ભારે વરસાદની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળમાં 23 ઓક્ટોબરે, આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને ગંગાના પશ્ચિમ બંગાળમાં 24 અને 25 ઓક્ટોબરે ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર સૌથી વધુ પ્રભાવિત થશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ, અનેક વિસ્તારો થયા પાણી-પાણી, નદી-ડેમ છલકાયા
દક્ષિણ ભારતમાં પણ વરસાદની ચેતવણી
દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કર્ણાટકમાં 20 ઓક્ટોબરે, આંધ્રપ્રદેશ અને યનમમાં 25મીએ, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 20થી 23, આંધ્રપ્રદેશ અને યનમમાં 20 અને 24 ઓક્ટોબરે ભારે વરસાદ પડી શકે છે. રાયલસીમામાં 20 ઓક્ટોબરે, તટીય અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં 20 અને 21 ઓક્ટોબરે વરસાદ પડવાની સંભાવના છે.