દાના વાવાઝોડાની અસર : 500થી વધુ ફ્લાઈટ-ટ્રેન કેન્સલ, 10 લાખનું સ્થળાંતર, NDRF-આર્મી એલર્ટ
Cyclone Dana May Cause Natural Disaster: બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન દાના (DANA) કુદરતી આફત સર્જી શકે છે. 25મી ઓક્ટોબરે તે ઓડિશાના પુરી જિલ્લા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ત્રાટકી શકે છે. તેની અસરને કારણે બંને રાજ્યોમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. તેથી બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બંને રાજ્યમાં NDRFની ટીમ તહેનાત
ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની ટીમ તહેનાત કરવામાં આવી છે. ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યોના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ માટે શાળા-કોલેજો, આંગણવાડી અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. કંપનીઓના કર્મચારીઓ ઘરેથી કામ પર છે અને ડોકટરો, પોલીસ કર્મચારીઓ, CRPF અને સંબંધિત અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.
ઓડિશામાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ
ઓડિશાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, 'દાના વાવાઝોડાની સૌથી પહેલા ઓડિશાના પુરીમાં દરિયાકાંઠે ટકરાશે. જેના કારણે પુરી શહેરને ખાલી કરાવવામાં આવ્યું છે. પુરીના મંદિરો બંધ છે અને પુરીથી લગભગ 10 હજાર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા છે. પુરીમાં આગામી 4 દિવસ માટે હોટલનું બુકિંગ રદ કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની 20 ટીમ, ઓડિશા ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (ODRF)ની 51 અને ફાયર વિભાગની લગભગ 178 ટીમ તહેનાત કરવામાં આવી છે.'
આ પણ વાંચો: રોહિંગ્યાઓને આ મુસ્લિમ દેશના લોકોએ પગ પણ મૂકવા ન દીધો, કહ્યું - 'જ્યાં ગયા ત્યાં અશાંતિ ફેલાવી..'
500થી વધુ ટ્રેન રદ કરવામાં આવી
દાના વાવાઝોડું લગભગ 14 જિલ્લાઓને અસર કરી શકે છે, તેથી આ જિલ્લાઓમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. લગભગ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓ અને ડોકટરોની રજાઓ રદ કરવામાં આવી છે. 500થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. સાઉથ ઈસ્ટ રેલવેએ 150 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટ કોસ્ટ રેલવેએ 198 ટ્રેનો રદ કરી છે, ઈસ્ટર્ન રેલવેએ 190 ટ્રેનો રદ કરી છે, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેએ 14 ટ્રેનો રદ કરી છે. 6000 રાહત શિબિરો બનાવવામાં આવી છે. હેલ્પલાઇન નંબર 1962 જાહેર કરવામાં આવ્યો છે. ઓડિશા સિવિલ સર્વિસ એક્ઝામિનેશન (OPSC) પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાયા
ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દાના વાવાઝોડા ટકરાશે. તેથી પશ્ચિમ બંગાળના 8 જિલ્લા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, હુગલી, હાવડા, કોલકાતામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. 26મી ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે. NDRF અને ફાયર બ્રિગેડ સહિત 85 રાહત ટીમો તહેનાત છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કોલકાતા એરપોર્ટને એલર્ટ મોડમાં રાખ્યું છે. 24મી ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાથી 25મી ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યા સુધી ફ્લાઈટ્સ રદ રહેશે. તમામ 8 જિલ્લાના મંદિરો બંધ રહેશે. સરકારી અધિકારીઓ અને ડોકટરોની રજાઓ રદ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનરજી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.