ઑગસ્ટ મહિનામાં ૪૮ વર્ષ પછી પ્રથમવાર અરબસાગરમાં ઉદ્ભવ્યું 'અસના' ચક્રવાત, પાકિસ્તાને આપ્યું છે નામ

છેલ્લે ૧૯૭૬માં ઓગસ્ટ મહિનામાં અરબસાગરમાં સાયકલોન આવ્યું હતું.

ગુજરાતમાં અતિવૃષ્ટિ પછી અરબસાગરમાં અસનાનું જોર

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
ઑગસ્ટ મહિનામાં ૪૮ વર્ષ પછી પ્રથમવાર અરબસાગરમાં  ઉદ્ભવ્યું 'અસના' ચક્રવાત, પાકિસ્તાને આપ્યું છે નામ 1 - image


નવી દિલ્હી, ૩૦ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર 

ગુજરાતમાં આફતની અતિ વૃષ્ટિ થયા પછી અરબસાગરમાં અસના ચક્રવાત ઊભું થયું છે. સામાન્ય રીતે જૂન અને જુલાઈમાં અરબસાગરમાં ચક્રવાત ઊભા થતાં હોય છે, પરંતુ ૪૮ વર્ષ પછી પ્રથમવાર જ ઑગસ્ટ મહિનામાં ચક્રવાત બન્યું છે.

છેલ્લે ૧૯૭૬માં ઑગસ્ટ મહિનામાં સાયકલોન આવ્યું હતું. તોફાનની અસરના ભાગરુપે છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ ઑગસ્ટના રોજ ભારતીય સમયાનુસાર સવારે ૮.૩૦ વાગે સૌરાષ્ટ્ર અને કચ્છના માંડવીમાં ૩૩૦ મિમી, મુદ્રામાં ૨૨૦ મિમી, નલિયામાં ૧૬૦ મિમી, અંજારમાં ૮૦ મિમી અને ગાંધીધામમાં ૭૦ મિમી વરસાદ નોંધાયો હતો.  કચ્છના કાંઠાથી પાકિસ્તાન અને પૂર્વોત્તર અરબસાગર આસપાસના ક્ષેત્રોમાં ડીપ ડિપ્રેશનનો વિસ્તાર થયો છે. 

ઑગસ્ટ મહિનામાં ૪૮ વર્ષ પછી પ્રથમવાર અરબસાગરમાં  ઉદ્ભવ્યું 'અસના' ચક્રવાત, પાકિસ્તાને આપ્યું છે નામ 2 - image

મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન પશ્ચિમ -દક્ષિણથી ઓમાન તરફ આગળ વધી શકે છે. આ તોફાનને અસના નામ પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું છે. અસના ઉર્દુ શબ્દ છે જેનો અર્થ વખાણ કરવા એવો થાય છે. મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ઑગસ્ટ મહિનામાં અરબસાગરમાં ચક્રવાત ખૂબજ દુલર્ભ ઘટના છે.

અસનાની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તટીય જિલ્લામાં ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની શકયતા છે. આ દરમિયાન કાચા ઘર અને ઝુંપડીઓમાં રહેતા લોકોને સુરક્ષિત વિસ્તારમાં આશ્રય લેવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી જેટલા પણ ચક્રવાત ઑગસ્ટ મહિનામાં આવ્યા છે જે દરિયાકાંઠે પહોંચતા પહેલાં નબળા પડી ગયા છે. ૧૯૬૪માં પણ એક ચક્રવાત આવ્યું હતું જે તટ પર પહોંચવાની સાથે જ નબળું પડ્યું હતું.



Google NewsGoogle News