સાયબર ફ્રોડ : સરકારે 55 લાખ સીમ કાર્ડ, 1.32 લાખ મોબાઈલ બંધ કર્યા
સાયબર ચોરો સામે કેન્દ્ર સરકારની આકરાં પગલાં
સંચાર સાથી પોર્ટલ મારફત નકલી દસ્તાવેજોથી લેવાયેલા સિમ કાર્ડની ઓળખ કરી બંધ કરાયા ઃ રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ
નવી દિલ્હી: ટેક્નોલોજીના અત્યાધુનિક યુગમાં ડિજિટલ ઈન્ડિયા તરફ આગળ વધતા ભારતમાં સાયબર ફ્રોડમાં અસાધારણ વધારો થયો છે ત્યારે સરકારે સાયબર ફ્રોડ સામે આકરાં પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે ૫૫ લાખ સીમકાર્ડ અને ૧.૩૨ લાખ મોબાઈલ ફોન બંધ કરી દીધા છે.
દેશભરમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડ સામે નક્કર પગલાં લેતાં ભારત સરકારે દેશભરમાં નકલી દસ્તાવેજોથી લેવામાં આવેલા ૫૫ લાખ ફોન નંબર બંધ કરી દીધા છે. વધુમાં સરકારે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ૧.૩૨ લાખ મોબાઈલ ફોન પણ બ્લોક કરી દીધા છે તેમ રાજ્યકક્ષાના ટેલિકોમ મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ભારતમાં સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, જેમાં મોટાભાગના લોકો લાખો રૂપિયા ગુમાવે છે. કેટલાક કેસમાં પીડિતો રૂ. ૧ કરોડથી વધુની રકમ પણ ગુમાવી ચૂક્યા છે. જોકે, કેન્દ્ર સરકાર સાયબર ફ્રોડ સામે હવે નક્કર પગલાં લઈ રહી છે. સરકારે સંચાર સાથી પોર્ટલ પરથી નકલી દસ્તાવેજો મારફત હાંસલ કરવામાં આવેલા સિમ કાર્ડની ઓળખ કરી લીધી છે. વધુમાં સરકારે લોકો તરફથી મળેલી ફરિયાદો પર પગલાં લેતાં ૧૩.૪૨ લાખ કનેક્શન બ્લોક કરી દીધા છે. મોટાભાગની સાયબર છેતરપિંડી નકલી દસ્તાવેજોથી મેળવવામાં આવેલા સીમ કાર્ડથી થાય છે.
સરકારે લોકોની સુવિધા માટે સંચાર સાથી પોર્ટલ શરૂ કર્યું છે. તેની મદદથી ચોરી અથવા ગુમ થયેલા સ્માર્ટફોન સરળતાથી શોધી શકાય છે. ફોન ગુમ અથવા ચોરી થતા આ પોર્ટલ પર તુરંત રિપોર્ટ કરી શકાય છે. આ પોર્ટલ પર ફરિયાદ કરતાં તમારો ફોન બ્લોક થઈ જશે, જેથી તમારા ફોનની જરૂરી વિગતો ક્યાંય લીક ના થાય અને તે ફોનનો કોઈ ખોટી રીતે ઉપયોગ ના કરી શકે.ચોર મોબાઈલ ફોનમાંથી તમારું સીમ કાઢીને નવું સીમ નાંખે તો પણ મોબાઈલ ફોન ચાલુ થતો નથી.