'મણિપુર અને નૂહ હિંસાથી દેશની છબિ ખરડાઈ' CWC બેઠકમાં કેન્દ્ર પર વરસ્યા મલ્લિકાઅર્જુન ખડગે

તેમણે કહ્યું કે રોટેશન તરીકે મળેલા G20ના અધ્યક્ષ પદ અને આયોજન પર 4 હજાર કરોડ ખર્ચી નખાયા અને હવે રોટેશન દ્વારા જ તેનું નેતૃત્વ હવે બ્રાઝીલને મળ્યું

કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર સરકારને જાતિ આધારિત વસતી ગણતરી શરૂ કરાવવાની પણ માગ કરી હતી

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
'મણિપુર અને નૂહ હિંસાથી દેશની છબિ ખરડાઈ'  CWC બેઠકમાં કેન્દ્ર પર વરસ્યા મલ્લિકાઅર્જુન ખડગે 1 - image

હૈદરાબાદમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં મલ્લિકાઅર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે જોરદાર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે G20ના આયોજન પર થયેલા ખર્ચ મામલે સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રોટેશન તરીકે મળેલા G20ના અધ્યક્ષ પદ અને આયોજન પર 4 હજાર કરોડ ખર્ચી નખાયા અને હવે રોટેશન દ્વારા જ તેનું નેતૃત્વ હવે બ્રાઝીલને મળ્યું છે. 

ખડગેએ ઊઠાવ્યાં અનેક મુદ્દા 

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ મૂક્યો કે INDIA  ગઠબંધનની બેઠકોની સફળતા બાદ સરકારે તપાસ એજન્સીઓને વિપક્ષી દળોથી બદલો લેવા માટે કામે લગાડી દીધી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મણિપુર અને નૂંહની ઘટનાથી દેશની છબિ ખરડાઈ છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર સરકારને જાતિ આધારિત વસતી ગણતરી શરૂ કરાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પર હુમલો કરતાં કહ્યું કે દેશ આજે અનેક ગંભીર આંતરિક પડકારો સામે ઝઝૂમી રહ્યું છે. 

કેન્દ્ર સરકાર પર કર્યો આરોપોનો વરસાદ 

ખડગેએ કહ્યું કે મણિપુરની હચમચાવી મૂકે તેવી ઘટનાઓ આખી દુનિયાએ જોઈ. ત્યાં 3 મે 2023થી લઈને આજ સુધી હિંસા યથાવત્ છે. મણિપુરની આગને મોદી સરકારે હરિયાણામાં નૂહ સુધી પહોંચાડી દીધી. અહીં પણ હિંસક ઘટનાઓ બની. જેના લીધે રાજસ્થાન, યુપી અને દિલ્હીમાં કોમી તંગદિલી ફેલાઈ. આવી ઘટનાઓ આધુનિક, પ્રગતિશીલ અને ધર્મનિરપેક્ષ ભારતની છબિને કલંકિત કરે છે. આવી સ્થિતિમાં સત્તાધારી પક્ષ, કોમી સંગઠન અને મીડિયાનો એક જૂથ આગમાં ઘી હોમવાનું કામ કરે છે. તેનાથી દેશની સર્વધર્મ સમભાવની ભાવના બગડે છે. આપણે આવી તાકાતોની ઓળખ કરીને તેમને બેનકાબ કરવા પડશે. 



Google NewsGoogle News