VIDEO| રાઈડ સર્વિસ કંપનીના રાઈડર સાથે ગ્રાહકનું આવું વર્તન કેટલું યોગ્ય? પેટ્રોલ પતી જવા છતાં ના ઊતર્યો
ઓટો ચાલકે આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી
Hyderabad News : હૈદરાબાદમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક ગ્રાહકે ઓનલાઈન બાઈડ રાઈડ બુક કરી હતી. આ દરમિયાન વાહનમાં પેટ્રોલ પૂરું થઈ જવા છતાં તેણે ઉતરવાની ના પાડી હતી. તેથી રાઈડ સર્વિસ કંપનીના રાઈડરે ગ્રાહકને સ્કૂટર પર બેસાડીને ધક્કો મારી પેટ્રોલ પંપ સુધી લઇ જવું પડ્યું હતું. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
અધવચ્ચે પેટ્રોલ થયું પૂરું
મળેલી માહિતી મુજબ હૈદરાબાદમાં રાઈડ સર્વિસ કંપનીના એપ પર એક ગ્રાહકે ટુ-વ્હીલર બુક કરાવ્યું હતું. બુકિંગ મુજબ સ્કૂટર ચાલકે ગ્રાહકને તેના ગંતવ્ય સ્થાન પર લઈ જવાની શરૂઆત કરી. પરંતુ અધવચ્ચે સ્કૂટરનું પેટ્રોલ પૂરું થઇ ગયું. પેટ્રોલ પૂરું થવા પર ચાલકે ગ્રાહકને સ્કૂટર પરથી ઉતરી પેટ્રોલ પંપ સુધી ચાલવા માટે કહ્યું, પરંતુ ગ્રાહકે સ્કૂટર પરથી નીચે ઉતરવાની ના પાડી દીધી હતી.
આજીજી કરવા છતાં પણ ન માન્યો ગ્રાહક
સ્કૂટર ચાલકે ખુબ આજીજી કરી પરંતુ જ્યારે ગ્રાહક નીચે ઉતારવા રાજી ન થયો ત્યારે ચાલક તેને બેસાડીને જ સ્કૂટરને ધક્કો મારવા લાગ્યો. બંને આવી રીતે નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચ્યા. સ્કૂટર પાછળ જઇ રહેલા એક ઓટો ચાલકે આ ઘટનાને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી.