નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં વિરોધ વચ્ચે સીએસઆઇઆર-નેટ પરીક્ષા રદ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
નીટ પેપર લીક મુદ્દે દેશભરમાં વિરોધ વચ્ચે સીએસઆઇઆર-નેટ પરીક્ષા રદ 1 - image


- નીટ પાસ ઉમેદવારોની એડમિશનની તારીખ નહીં બદલાય, સુપ્રીમે માગ ફગાવી

- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે, ફરી નીટ યોજવામાં આવે : વિદ્યાર્થીઓના વિરોધમાં વિપક્ષ જોડાયો

- વિરોધના વંટોળ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હી યુનિ.ના યોગના કાર્યક્રમમાં જવાનું ટાળ્યું, નીટના 1563 ઉમેદવારોની કાલે પરીક્ષા 

નવી દિલ્હી : આ વર્ષે લેવામાં આવેલી નીટની પરીક્ષાનુ પેપર લીક થયાના આરોપો બાદ દેશમાં વિવાદ વધી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું અને સાથે જ ધરણા પ્રદર્શન કર્યા હતા. નીટનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેનું આયોજન કરનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા વધુ એક પરીક્ષા સીએસઆઇઆર-યુજીસી નેટને રદ કરવામાં આવી છે. દરમિયાન સુપ્રીમે નીટ કાઉન્સેલિંગ એટલે કે એડમિશન પ્રક્રિયાને રદ કરવાની માગ ફગાવી દીધી છે.  

આગામી ૨૫થી ૨૭ તારીખે સીએસઆઇઆર-યુજીસી-નેટ યોજાવાની હતી, જોકે નીટના વિવાદ વચ્ચે નેટની વધુ એક પરીક્ષાને રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવાની માહિતી એનટીએ દ્વારા આપવામાં આવી હતી, સાથે કહ્યું હતું કે સંસાધનોની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા યુજીસી નેટની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી, જોકે હાલ મેડિકલ ક્ષેત્ર માટે લેવાયેલી નેશનલ એલિજિબિલિટી-એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટને રદ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો. નીટને લઇને સુપ્રીમમાં અનેક અરજીઓ થઇ છે. જેમાંની એક અરજીમાં માગ કરાઇ છે કે આ પરીક્ષામાં મોટા છબરડા થયા છે, માટે હવે આગળની એડમિશન પ્રક્રિયા એટલે કે કાઉન્સેલિંગ ૬ જૂલાઇના રોજ યોજાવાની છે જેને અટકાવવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી. જ્યારે નીટમાં ગ્રેસ માર્ક્સ મેળવનારા ૧૫૬૩ ઉમેદવારો માટે રવિવારે છ કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે.  

દરમિયાન નીટને રદ કરવાની માગણી સાથે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા અને આ પરીક્ષા ફરી યોજવાની સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી કરવામાં આવી હતી. વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દિલ્હી યુનિવર્સિટીની યોગ ઇવેન્ટમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પેપર લીક થવાનો મુદ્દો દેશવ્યાપી બની ગયો છે. ભાજપના શાસનમાં કરોડો યુવાઓનું ભવિષ્ય બરબાદ થયું છે. એક દિવસ અગાઉ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટને રદ કરવાની ના પાડી દીધી હતી, જે બાદ વિરોધ વધુ ઉગ્ર બની રહ્યો છે. દરમિયાન બસપાના વડા માયાવતીએ પણ નીટનું પેપર લીક કરનારાઓ સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી. નીટ-યુજી પાંચ મેના રોજ યોજાઇ હતી, ૪૭૫૦ કેન્દ્રો પર ૨૪ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ચાર જૂનના પરીણામ જાહેર કરાયું હતું. જે બાદ પેપર લીકના આરોપો થયા હતા અને બિહારમાં કેટલાકની ધરપકડ થઇ હતી. હાલ આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.


Google NewsGoogle News