ક્રિપ્ટો કરન્સી કૌભાંડ: સુપ્રિયા સુલે અને નાના પટોલેની વધી શકે છે મુશ્કેલી, 2017માં કરાયેલી તપાસ પર ઉઠ્યા સવાલ
Cryptocurrency Scam : ક્રિપ્ટો કરન્સી કૌભાંડને લઈને NCPના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેની મુશ્કેલી વધી શકે છે. ભાજપે 2017ના 6,600 કરોડના ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં સુપ્રિયા સુલે અને નાના પટોલેની સહિત પુણેના ભૂતપૂર્વ કમિશનર અમિતાભ ગુપ્તા અને ડેપ્યુટી પોલીસ કમિશનર ભાગ્યશ્રીની સંડોવણીને લઈને એક ઓડિયો ક્લિપ બહાર પાડી હતી.
ભાજપે એક ઓડિયો ક્લિપ જાહેર કરી
ભાજપના આ ખુલાસા બાદ ED હરકતમાં આવ્યું હતું. જેમાં EDએ છત્તીસગઢના રાયપુરમાં ફોરેન્સિક ક્રિપ્ટો એક્સપર્ટ ગૌરવ મહેતાના ઘર અને ઓફિસની તપાસ કરી હતી. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં સુપ્રિયા સુલે ગૌરવ મહેતાને દુબઈ જઈને ક્રિપ્ટો કરન્સીને રોકડમાં બદલીને પરત લાવવાનું કહી રહી છે.
ભાજપના વરિષ્ઠ પ્રવક્તા સંબિત પાત્રાએ શું કહ્યું?
ભાજપના વરિષ્ઠ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, ક્રિપ્ટો કરન્સી કૌભાંડની તપાસમાં મોટાપાયે ગડબડ કરવામાં આવી છે અને સુપ્રિયા સુલે અને નાના પટોલેએ આરોપીઓ પાસેથી કુલ 235 કરોડ રૂપિયા લીધા હતા. જેનો ઉપયોગ 2019ની લોકસભાની ચૂંટણી અને 2024ની વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો. કૌભાંડની વિગતો આપતા પાત્રાએ જણાવ્યું કે, 2017માં થયેલા ક્રિપ્ટો કરન્સી કૌભાંડની તપાર કરનારા પૂર્વ IPS અધિકારી આરએન પાટિલને ફસાવીને જેલ ભેગા કરી દીધા.
પાત્રાના કહેવા પ્રમાણે, કૌભાંડમાં રિકવર કરાયેલી ક્રિપ્ટો કરન્સીનું વોલેટ અમિતાભ ગુપ્તા અને ભાગ્યશ્રીએ બદલ્યું હતું અને આરોપ આરએન પાટિલ પર નાખવામાં આવ્યો હતો. 2004 બેચના IPS આરએન પાટિલે 2010માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને KPMGમાં સાયબર નિષ્ણાત તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો પર્દાફાશ થયા બાદ પુણે પોલીસે આરએન પાટિલ અને પંકજ ઘોડેને ફોરેન્સિક નિષ્ણાત તરીકે તપાસમાં સામેલ કર્યા હતા. પરંતુ બાદમાં ગૌરવ મહેતાને ફોરેન્સિક ક્રિપ્ટો એક્સપર્ટ તરીકે તપાસમાં સ્થાન આપ્યું. ગૌરવ મહેતાની તપાસના આધારે આરએન પાટિલની રીકવર થયેલી ક્રિપ્ટો કરન્સી ગુમ થવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
ક્રિપ્ટો કરન્સી રોકડમાં બદલવાની ઓડિયો ક્લિપમાં વાતચીત
સંબિત પાત્રા અનુસાર, આરએન પાટિલને જામીન પર છોડ્યા બાદ ગૌરવ મહેતાએ તેમનો સંપર્ક કર્યો હતો અને પછી તેમને ફસાવવામાં માટે કરવામાં આવેલા કાવતરાં વિશે માહિતી આપી હતી. પૂરાવા તરીકે ગૌરવ મહેતાએ પાટિલને એક ઓડિયો ક્લિપ મોકલી હતી. જેમાં કથિત રીતે સુપ્રિયા સુલે, નાના પટોલે, અમિતાભ ગુપ્તા, ભાગ્યશ્રીની ક્રિપ્ટો કરન્સીને દુબઈમાં રોકડમાં બદલીને લાવવા સંબંધિત વાતચીત થઈ હતી.
આ પણ વાંચો : CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ
બીજી તરફ, સુપ્રિયા સુલેએ ગત મંગળવારે જ ઓડિયો ક્લિપને ફર્જી જણાવી હતું અને કહ્યું કે, આમાં મારો અવાજ નથી અને આ ક્લિપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવી હોવાનું જણાવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ ઓડિયો ક્લિપની અસલ નકલની તપાસ માટે ગૌરવ મહેતાના ઘરે સર્ચ કરવામાં આવ્યું. ક્લિપની સત્યતા જાણી લીધા બાદ ED સુપ્રિયા સુલે અને નાના પટોલેની પણ પૂછપરછ કરી શકે છે.
આ પણ વાંચો : Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA સરકાર, ઝારખંડમાં કોણ મારશે બાજી?
પાત્રાએ ક્રિપ્ટો કરન્સીમાં કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શનના ડિજિટલ પુરાવા હોવાનો દાવો કર્યો છે કે, વરિષ્ઠ લોકોના નિર્દેશ પર અમિતાભ ગુપ્તા અને ભાગ્યશ્રીએ આ કૌભાંડમાં રિકવર કરાયેલ અસલી ક્રિપ્ટો કરન્સી વોલેટને બદલીને નકલી વોલેટ રાખ્યું હતું. બાદમાં અસલી વોલેટમાં હાજર ક્રિપ્ટો કરન્સીમાંથી 235 કરોડ રૂપિયા ઉપાડીને સુપ્રિયા સુલે અને નાના પટોલેને આપવામાં આવ્યા હતા.