અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર સુલિવાન અને ભારતના એન.એસ.એ. વચ્ચે નિર્ણાયક મંત્રણા
- સુલિવાનને સ્થાને વોલ્ટઝ આવશે તો પણ ફેર નહીં પડે
- જતાં જતાં સુલિવાન હાઈ ટેકનોલોજી ટ્રાન્સફર અને ભારત-અમેરિકા સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરી
નવી દિલ્હી : અમેરિકામાં જો બાયડેન વહીવટી તંત્ર વિદાઈ લઇ રહ્યું છે તેવે સમયે ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દૉવલે વિદાય લેતા અમેરિકાના રાષ્ટ્રીય સલામત સલાહકાર જેક સુલિવાન સાથે મંત્રણાના બે દોર કર્યા હતા જે દરમિયાન જેક સુલિવાન અને અજિત દોવલના વચ્ચે ઇનિશ્યેટિવ ઑન ક્રીટિકલ એન્ડ ઇમર્જીંગ ટેકનોલોજી (ICET) નાં હસ્તાંતરણ સંબંધે ચર્ચા થઇ હતી. આ સાથે બંને નૈસર્ગિક સાથીઓ વચ્ચે હાઈ ટેકનોલોજી ટ્રાન્સફર અંગે પણ કરારો થયા હતા.
કોઈ એમ પણ માને છે કે હવે બાયડેન તંત્ર જ વિદાય લઇ રહ્યું છે ત્યારે આ કરારોનું મહત્વ શું રહેશે ? તો સ્પષ્ટતા કરવાની કે તે કરારો બે વ્યક્તિઓ વચ્ચે થયા ન હતા. બે દેશો વચ્ચે થયા હતા. તેથી બાયડેન વહીવટી વિદાય લે તો પણ અમેરિકામાં નવા નિયુક્ત થનારા તેના નેશનલ સિક્યુરીટી સલાહકાર માઇક વોલ્ટઝ આવે તો પણ કરારો તો યથાવત્ જ રહે.
સૌથી મહત્ત્વની સમજૂતી તો સુલિવાન અને દોવલ વચ્ચે મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરીડોર અંગે સાધવામાં આવી હતી. ગાઝા યુદ્ધને લીધે આ કોરિડોરનો ઉપયોગ થઇ શક્તો નથી. પરંતુ ટ્રમ્પે મધ્યપૂર્વમાં રાષ્ટ્રો વચ્ચે અબ્રહામ એકોર્ડ કરાવ્યો હતો તે ફરી અમલી કરવા વિષે પણ બંને વચ્ચે ચર્ચા થઇ હતી. તેમ જ ઇન્ડો પેસિફિક વિસ્તાર સલામત રાખવા ઉપર પણ ભાર મુકાયો હતો.