આજે CRPFનો સ્થાપના દિવસ, રજવાડાના એકીકરણમાં મહત્ત્વની ભૂમિકા હતી, જાણો રોચક ઈતિહાસ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
આજે CRPFનો સ્થાપના દિવસ, રજવાડાના એકીકરણમાં મહત્ત્વની ભૂમિકા હતી, જાણો રોચક ઈતિહાસ 1 - image

86th Foundation Day of CRPF: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઆરપીએફ (CRPF- સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ)ના 86માં સ્થાપના દિવસ નિમિતે સીઆરપીએફને શુભકામનાઓ પાઠવી છે. વડાપ્રધાને દેશની સુરક્ષામાં સીઆરપીએફની ભૂમિકાને સર્વોપરી ગણાવી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, 'સીઆરપીએફના સ્થાપના દિવસની તમને સૌને મારી શુભકામનાઓ. રાષ્ટ્ર પ્રત્યે અતૂટ સમર્પણ અને તેમની અથાક સેવા ખરેખર પ્રશંસનીય છે. તેઓ હંમેશા હિંમત અને પ્રતિબદ્ધતાના ઉચ્ચતમ ધોરણો માટે ઊભા રહ્યા છે. આપણા દેશને સુરક્ષિત રાખવામાં પણ તેમની ભૂમિકા સર્વોપરી છે.'

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, 1 આતંકી ઠાર

ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓ

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારના સભ્યોને દળના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. CRPFએ તેની શરૂઆતથી જ રાષ્ટ્રીય સુરક્ષાને તેના મિશન તરીકે લીધી છે. દળના બહાદુર સૈનિકોએ તેમના જીવની પરવા કર્યા વિના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમની તમામ શક્તિ લગાવી દીધી અને દરેક વખતે વિજયી બન્યા. હું CRPFના એ શહીદોને સલામ કરું છું કે જેમણે ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.'

દેશી રજવાડાઓને ભારતમાં સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા

સીઆરપીએફની સ્થાપના આઝાદી પહેલા સન 1939માં અંગ્રેજો દ્વારા કરાઈ હતી. ત્યારે આ દળનું નામ ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ હતું. આઝાદી બાદ 28 સપ્ટેમ્બર, 1949ના દિવસે સંસદ દ્વારા એક અધિનિયમ દ્વારા આ દળનું નામ બદલીને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ રાખવામાં આવ્યું હતું. સીઆરપીએફને આઝાદી બાદ દેશી રજવાડાઓને ભારતીય સરકારના શાસન હેઠળ લાવવાની જવાબદારી આપવામાં આવી હતી. સીઆરપીએફએ જૂનાગઢ, હૈદરાબાદ, કાઠિયાવાડ અને કાશ્મીર જેવા રજવાડાઓને ભારતમાં સામેલ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આ રજવાડાઓએ ભારતમાં જોડાવાની ના પાડી દીધી હતી. આ ઉપરાંત, રાજસ્થાન, કચ્છ અને સિંધ સરહદોમાં ઘૂસણખોરી રોકવામાં  પણ સીઆરપીએફએ મોટી ભૂમિકા ભજવી હતી.

ચીન અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં આપ્યું સર્વોચ્ચ બલિદાન

સીઆરપીએફએ 21 ઓક્ટોબર, 1959ના રોજ ચીનના હુમલાને નિષ્ફળ બનાવીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ બલિદાનની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. 1962 માં ચીની આક્રમણ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં સીઆરપીએફએ ભારતીય સેનાને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી હતી જેમાં દળના 8 સૈનિકો શહીદ થયા હતા. આ સિવાય 1965 અને 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં સીઆરપીએફએ પાકિસ્તાન સામે ભારતીય સેના સાથે ખભે ખભા મિલાવીને લડ્યા હતા.

આ પણ વાંચો: કારગિલ યુદ્ધના 25 વર્ષ, 1999માં બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી ભીષણ લડાઈ ભારતના નરબંકાઓએ જીતી હતી.

1970ના દાયકામાં ત્રિપુરા અને મણીપુરમાં ઉગ્રવાદ સામે ઘણાં વર્ષો સુધી લડીને સીઆરપીએફએ ઉગ્રવાદીઓને સમાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય 13 ડિસેમ્બર, 2001ના દિવસે ભારતીય સંસદ પર થયેલા આંતકવાદી હૂમલાને સીઆરપીએફના જવાનોએ નિષ્ફળ કર્યો હતો. આ હુમલામાં બહાદુરીપૂર્વક લડતા સીઆરપીએફના જવાનોએ 5 આંતકવાદીઓને ઠાર કર્યા હતા. 

આજે CRPFનો સ્થાપના દિવસ, રજવાડાના એકીકરણમાં મહત્ત્વની ભૂમિકા હતી, જાણો રોચક ઈતિહાસ 2 - image


Google NewsGoogle News