મણિપુરમાં CRPF જવાને બે જવાનોની કરી હત્યા, બાદમાં ખુદને ગોળી મારી, કુલ આઠ જવાન ઘાયલ
Manipur News : મણિપુરના ઇમ્ફાલમાં એક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના એક કેમ્પમાં CRPF જવાને તેના બે સાથીદારોની હત્યા કરી અને પછી પોતાને ગોળી મારી દીધી હોવની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આજે ગુરુવારે એક સૈનિકે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં તેના બે સાથીઓની હત્યા થઈ હતી. આ પછી CRPF જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં આઠ અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લેમ્ફેલ સ્થિત CRPF કેમ્પમાં રાત્રે લગભગ 8:20 વાગ્યે બની હોવાનું સામે આવ્યું છે.
CRPF જવાન સંજય કુમાર 120મી બટાલિયનનો હવાલદાર હતો. તેણે અચાનક પોતાની સર્વિસ રાઇફલથી ગોળીબાર શરૂ કર્યું હતું. CRPF જવાને પહેલા એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટરને નિશાન બનાવ્યા, જેમાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું. આ પછી CRPF જવાને પોતાને પણ ગોળી મારી દીધી.
આઠ સૈનિકો ઘાયલ, હોસ્પિટલમાં દાખલ કરાયા
સમગ્ર ઘટનામાં કુલ આઠ અન્ય સૈનિકો પણ ઘાયલ થયા હતા. બધા ઘાયલો સૈનિકોને તાત્કાલિક ઇમ્ફાલ સ્થિત રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે ગોળીબારનું કારણ જાણી શકાયું નથી. CRPF અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં કારણ બહાર આવશે.'