Video: આસામમાં ટોળાએ રાહુલ ગાંધીની બસ રોકી, ભારત જોડો ન્યાય યાત્રામાં મોદી-મોદીના નારા લાગ્યા
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આજે આસામ પહોંચી હતી
Bharat Jodo Nyay Yatra In Assam: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો ન્યાય યાત્રા' કાઢી રહી છે. આ યાત્રા હાલમાં આસામમાંથી પસાર થઈ રહી છે. સોનિતપુર જિલ્લામાં ટોળાએ રાહુલ ગાંધીની બસ રોકી ત્યારે કોંગ્રેસના નેતા બસમાંથી નીચે ઉતર્યા હતા. જો કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૈનિકોએ રાહુલને બસમાં પાછા બેસવા કહ્યું. આ દરમિયાન એકઠી થયેલી ભીડમાં હાજર કેટલાક લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે,'મોહબ્બતની દુકાન દરેક માટે ખુલ્લી છે. ભારત જોડાશે, જીતશે હિન્દુસ્તાન.'
આસામમાં જયરામ રમેશની કાર પર હુમલો
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે આસામમાં ભાજપના લોકોએ તેમના વાહન પર હુમલો કર્યો હતો. જયરામ રમેશે 'X' પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું-'થોડા દિવસો પહેલા સુનીતપુરના જુમુગુરીહાટમાં બીજેપીના લોકોએ મારી કાર પર હુમલો કર્યો અને કારના વિન્ડશિલ્ડ પર લાગેલા ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટીકર પણ ફાડી નાખ્યા હતા. હુમલાખોરોએ સ્ટીકર પર પાણી ફેંક્યું અને ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ અમે સંયમ જાળવી રાખ્યું, ગુંડાઓને માફ કરી દીધા અને ત્યાંથી આગળ વધ્યા. આ બધું આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કરી રહ્યા છે. પરંતુ અમે ડરતા નથી અને લડતા રહીશું.'
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિશ્વનાથ જિલ્લા મુખ્યાલય વિશ્વનાથ ચરિયાલીમાં આરોપ લગાવ્યો હતો કે, 'આસામની ભાજપની આગેવાનીવાળી સરકાર લોકોને 'ભારત જોડો ન્યાય યાત્રા'માં સામેલ થવા સામે ધમકી આપી રહી છે અને યાત્રા સંબંધિત રૂટ પર કાર્યક્રમોની પણ મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યમાં પાર્ટીના ઝંડા અને બેનરોને નુકસાન થઈ રહ્યું છે. જો કે લોકો ભાજપથી ડરતા નથી.'