અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, એક કિમી સુધીની લાંબી લાઈનમાં ગૂંજતા રહ્યા ‘જય શ્રી રામ’ના નારા
Ram Temple In Ayodhya : ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિરમાં આજે બુધવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન શ્રી રામના દર્શન કરવા દેશ-વિદેશથી આવેલા ભક્તોએ ‘જય શ્રી રામ’ના નારાનો જયઘોષ કરતા સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. આ દરમિયાન એક કિલોમીટરથી વધુ લાંબી કતારો જોવા મળી હતી.
રામ મંદિર પરિસરમાં હજારો શ્રદ્ધાળોની ભીડ
રામ મંદિર પરિસરમાં હજારોથી વધુ ક્ષમતા વાળા શ્રદ્ધાળુ સુવિધા કેન્દ્ર મોડી સાંજ સુધી દર્શનાર્થીઓથી ભરેલું જોવા મળ્યું હતું. આમ જેટલા દર્શનાર્થીઓ બહાર જતા એનાથી વધુ શ્રદ્ધાળુઓ અંદર આવતા હતા. આ ઉપરાંત કિલોમીટરના વિસ્તારમાં આવેલા હનુમાન ગઢી, દશરથ મહેલ, કનક ભવન સહિત અન્ય મંદિરોમાં પણ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.
મંદિરની વ્યવસ્થામાં લાગેલા લોકો મુજબ, બપોરની પહેલા શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય હતી. પરંતુ બપોર પછી શ્રદ્ધાળુઓની સંખ્યામાં એકાએક વધારો થવા લાગ્યો હતો. દર્શનની તમામ પંક્તિઓ ભરચક હતી. સામાન્ય રીતે મંગળવાર અને સપ્તાહના અંતે શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોય છે, પરંતુ આજનો દિવસ અલગ જ હતો.