બિહારના પ.ચંપારણમાં ડીઈઓના ઘરે વીજિલન્સના દરોડામાં કરોડો રૂપિયા જપ્ત
બેતિયામાં પ્રવીણના ઘરે અધિકારીઓ પર્યાપ્ત પોલીસ સુરક્ષા સાથે પહોંચ્યા
કરોડોની રોકડ જપ્ત થઈ તે ડીઈઓ પ્રવીણ બેતિયામાં ભાડાંના ઘરમાં રહે છે : શિક્ષણ વિભાગે અધિકારીને સસ્પેન્ડ કર્યો
બેતિયા, દરભંગા અને મધુબનીમાં ડીઈઓ તરીકે કામ કરતા રજનીકાંત પ્રવીણ પર આવકના જાણિતા સ્રોત કરતાં વધુ સંપત્તિ હોવાના આક્ષેપો થયા હતા. વિજિલન્સ ટીમે બેતિયામાં રજનીકાંત પ્રવીણના આવાસ પર દરોડા પાડયા હતા તો સમસ્તીપુરમાં તેના સાસરીયા અને દરભંગામાં પણ કાર્યવાહી કરાઈ હતી.
રસપ્રદ વાત એ છે કે જેના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત થઈ તે અધિકારી પ્રવીણ બેતિયાના વસંત વિહારમાં ભાડાંના મકાનમાં રહે છે. તેના ઘરે વિજિલન્સની આઠ લોકોની ટીમ પહોંચી હતી. પ્રવીણના ઘરેથી એટલી જંગી સંખ્યામાં રોકડ મળી કે ટીમે તેની ગણતરી માટે રૂપિયા ગણવાના મશીન લાવવા પડયા હતા.
સબ ડિવિઝનલ પોલીસ અધિકારી વિવેક દીપે કહ્યું કે, બેતિયામાં પ્રવીણના ઘરે અધિકારીઓ પર્યાપ્ત પોલીસ સુરક્ષા સાથે પહોંચ્યા હતા. દરમિયાન શિક્ષણ વિભાગે ગુરુવારે સાંજે જ પ્રવીણને સસ્પેન્ડ કરી દીધો હતો. શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયેલા સરક્યુલર મુજબ રજનીકાંત પ્રવીણને તેની સામે વિજિલન્સ વિભાગે લીધેલાં પગલાં બદલ તાત્કાલિક અસરથી કાઢી મુકવામાં આવે છે. પુર્ણિયામાં શિક્ષણ વિભાગના નાયબ ડિરેક્ટર અધિકારી તરીકે પ્રવીણની ટ્રાન્સફર કરાઈ હતી. દરોડ સમયે પ્રવીણની પત્ની પણ કૌભાંડી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રજનીકાંત પ્રવીણની પત્ની સુષ્મા તિરહુત એકેડમી પ્લસ-ટુ સ્કૂલમાં શિક્ષિકા છે. પરંતુ તે ત્યાંથી એજ્યુકેશન લીવ લઈને દરભંગામાં એક મોટી ખાનગી સ્કૂલનું સંચાલન કરે છે. સૂત્રો મુજબ પ્રવીણ અને તેના પરિવાર પાસે પટના, દરભંગા, મધુબની અને મુઝફ્ફરપુરમાં સંપત્તિ હોવાની માહિતી મળી છે.