લખનઉની બેંકમાં ગેસ કટરથી લોકર કાપીને કરોડોની લૂંટ
બે દિવાલોમાં બાકોરા પાડીને લૂંટારા ઘુસ્યા
ઈન્ડિયન ઓવરસીસ બેંકની બ્રાન્ચના ૯૦માંથી ૪૨ લોકરોને સફાચટ કર્યા
લખનઉ: લખનઉના ચિનહટ વિસ્તારમાં અયોધ્યા હાઈવે નજીક ઈન્ડિયન ઓવરસીસ બેંકમાં રવિવારે લૂંટ થઈ હતી. લૂંટારાઓએ બેંકના લોકર રૂમને ગેસ કટરથી કાપી અને ૯૦ લોકરોમાંથી લગભગ ૪૨ લોકરોને કાપી નાખ્યા હતા.
રિપોર્ટ મુજબ, લૂંટારાઓ લોકર્સમાં રાખેલા કરોડો રૂપિયાના દાગીના લઈને ફરાર થયા હતા. બેંક મેનેજર તરફથી ફરિયાદ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની સાથે રજાના દિવસે પોતાની મહેનતની કમાણી અને પરિવારના વર્ષો જૂના દાગીના ગુમાવનારા ગ્રાહકો બેંકમાં પહોચ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, લૂંટારાઓ બેંકમાં પાછળથી ઘુસ્યા હતા. પાછળના રસ્તે સુમસામ ગલી અને તેની નજીક ઊંચી દિવાલ આવેલી છે. લૂંટારાઓ અંદર લગભગ ૪૦ મીટર ચાલ્યા બાદ બેંકની ૯ ઈંચની દિવાલને તોડી અને લોકર રૂમમાં પ્રવેશ્યા હતા. ગેસ કટરની મદદથી લોકર રૂમને તોડવામાં આવ્યું હતું. પોલીસે બેંકના સીસીટીવી મેળવીને તપાસ શરૂ કરી છે.