તરફેણમાં ચુકાદો આવે તો સુપ્રીમ કોર્ટ અદભૂત સંસ્થા અને વિરોધમાં આવે તો...: CJI ચંદ્રચૂડ
Supreme Court CJI News | ન્યાયતંત્રની ભૂમિકા જનતાની અદાલત તરીકે સંરક્ષિત રાખવી જોઈએ, પરંતુ તેનો અર્થ એ નથી કે તે સંસદમાં વિપક્ષની ભૂમિકા ભજવે. કાયદાના સિદ્ધાંતોની વિસંગતતા અથવા ભૂલ બદલ ન્યાયતંત્રની ટીકા કરવી જોઈએ, પરંતુ કેસોના ચૂકાદાના આધારે ન્યાયતંત્રની ભૂમિકા અથવા તેના કામની ટીકા અયોગ્ય છે તેમ મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું.
દક્ષિણ ગોવામાં સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશન દ્વારા આયોજિત એક સમારંભમાં સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની ન્યાય સુધીની પહોંચની પેટર્ન છેલ્લા 75 વર્ષમાં ઘણી વિકસી છે અને તેની આપણે અવગણના કરવી જોઈએ નહીં.
તેમણે ઉમેર્યું કે, સમાજનો વિકાસ થાય, તે સમૃદ્ધ અને સંપન્ન થાય તો એવી ધારણા બને છે કે તમારે માત્ર મોટી-મોટી બાબતો પર જ ધ્યાન આપવું જોઈએ. પરંતુ આપણું ન્યાયતંત્ર એવું નથી. આપણું ન્યાયતંત્ર જનતાની અદાલત છે અને લોકોની અદાલત તરીકે સુપ્રીમ કોર્ટની ભૂમિકાને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવી જોઈએ. જોકે, જનતાની અદાલતનો એ અર્થ નથી કે ન્યાયતંત્ર સંસદમાં જઈને વિપક્ષની ભૂમિકા ભજવે.
તેમણે કહ્યું કે, મને લાગે છે કે વિશેષરૂપે આજના સમયમાં અનેક લોકો એવું વિચારે છે કે તેમની તરફેણ ચૂકાદો આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટ એક અદ્ભૂત સંસ્થા છે અને તેમના વિરુદ્ધ નિર્ણય અપાય તો ન્યાયતંત્ર બદનામ સંસ્થા છે. મને લાગે છે કે આ એક ખતરનાક બાબત છે. કારણ કે તમે કેસોના ચૂકાદાના આધારે ન્યાયતંત્રની ભૂમિકા અથવા તેનું કામ જોઈ શકો નહીં. વ્યક્તિગત કેસોના પરિણામ તમારી તરફેણમાં પણ આવી શકે અને વિરુદ્ધ પણ આવી શકે. ન્યાયાધીશોને પ્રત્યેક કેસના આધારે સ્વતંત્રતાની ભાવના સાથે નિર્ણય લેવાનો અધિકાર છે.
ચંદ્રચૂડે કહ્યું કે, કોઈપણ વ્યક્તિને કાયદાના સિદ્ધાંતોની વિસંગતતા અથવા ખામી માટે ન્યાયતંત્રની ટીકા કરવાનો અધિકાર છે. આ બાબતનો ન્યાયાધીશોને કોઈ વિરોધ પણ નથી, પરંતુ આ જ લોકો તેમના વિરુદ્ધ ચૂકાદા આવે ત્યારે ન્યાયતંત્ર એક વિશેષ દિશામાં જઈ રહી છે તેવી ટીકા કરવા લાગે છે.