રાજ્યસભાના 36 ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ, 21 ટકાની સંપત્તિ 100 કરોડથી વધુ : એડીઆર
રાજ્યસભામાં ભાજપના 8, કોંગ્રેસના 6, સપાના બે ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ
કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી સૌથી ધનિક
નવી દિલ્હી : રાજ્યસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ૧૫ રાજ્યોની ૫૬ બેઠકોના ૫૯ ઉમેદવારોમાંથી ૫૮ના સોગંદનામાનું એડીઆર અને નેશનલ ઈલેક્શન વોચે વિશ્લેષણ કર્યું હતું, જેમાં ૩૬ ટકા વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધાયા હોવાનું જણાયું છે. વધુમાં આ ઉમેદવારોની નાણાકીય પૃષ્ઠભૂમિ પણ જાણવા મળી છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સૌથી ધનિક હોવાનું જણાયું છે. બધા જ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૨૭.૮૧ કરોડ છે. રાજ્યસભાના ૪૧ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે જ્યારે ૨૭મીએ ચૂંટણી થવાની છે.
એડીઆરે કહ્યું કે કર્ણાટકમાંથી કોંગ્રેસના ઉમેદવાર જીસી ચંદ્રશેખરના દસ્તાવેજ ખરાબ રીતે સ્કેન કરાયા હોવાથી તેમના સોગંદનામાનું વિશ્લેષણ કરાયું નથી. એડીઆરના વિશ્લેષણમાં જણાયું છે કે ૫૮માંથી ૩૬ ટકા ઉમેદવારોેએ તેમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ હોવાનું જાહેર કર્યું છે, જેમાંથી ૧૭ ટકા ઉમેદવારો પર ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. એક ઉમેદવાર પર હત્યાના પ્રયાસનો કેસ નોંધાયેલો છે.
વિશ્લેષણ મુજબ ભાજપના ૩૦ ઉમેદવારોમાંથી આઠ (૨૭ ટકા), કોંગ્રેસના ૯માંથી છ (૬૭ ટકા), તૃણમૂલના ચારમાંથી એક (૨૫ ટકા), સપાના ત્રણમાંથી બે (૬૭ ટકા), વાયએસઆરસીપીના ત્રણમાંથી એક (૩૩ ટકા), રાજદના બેમાંથી એક (૫૦ ટકા), બીજેડીના બેમાંથી એક (૫૦ ટકા) અને બીઆરએસના એક ઉમેદવારે ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે.
એડીઆરના અહેવાલ મુજબ રાજ્યસભાના ૫૮ ઉમેદવારોમાંથી લગભગ ૨૧ ટકા ઉમેદવારો અબજ પતિ છે, જેમની સંપત્તિ રૂ. ૧૦૦ કરોડથી વધુ છે. રાજ્યસભાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૨૭.૮૧ કરોડ છે. હિમાલચ પ્રદેશના કોંગ્રેસના ઉમેદવાર અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની કુલ સંપત્તિ રૂ. ૧,૮૭૨ કરોડ છે જ્યારે ઉત્તર પ્રદેશના સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા અમિતાભ બચ્ચનની સંપત્તિ રૂ. ૧,૫૭૮ કરોડ અને કર્ણાટકના જદ-એસના ઉમેદવાર કુપેન્દ્ર રેડ્ડીની કુલ સંપત્તિ રૂ. ૮૭૧ કરોડ છે. વિશ્લેષણ મુજબ ટોચના ત્રણ સૌથી ગરીબ ઉમેદવારોમાં મધ્ય પ્રદેશમાં ભાજપના બાલયોગી ઉમેશ નાથ (રૂ. ૪૭ લાખ), પશ્ચિમ બંગાળમાંથી સમિક ભટ્ટાચાર્ય અને ઉત્તર પ્રદેશમાંથી સંગીતા (રૂ. ૧ કરોડ)નો સમાવેશ થાય છે.
એડીઆરના અહેવાલ મુજબ રાજ્યસભાના ઉમેદવારોમાંથી ૧૭ ટકા ઉમેદવારો ૫મા ધોરણથી ૧૨મા ધોરણ સુધી પાસ છે, ૭૯ ટકા ઉમેદવારો પાસે સ્નાતક અથવા તેનાથી ઊંચી ડિગ્રી છે. ઉમેદવારોની વયના સંદર્ભમાં ૭૬ ટકા ઉમેદવારો ૫૧થી ૭૦ની વય વચ્ચેના છે જ્યારે ૧૬ ટકા ઉમેદવારો ૩૧થી ૫૦ની વય વચ્ચે છે. મહિલા ઉમેદવારોની સંખ્યા ૧૯ ટકા છે.