ગુજરાતમાં ક્રિકેટ અને G20ના કારણે વિદેશી પ્રવાસીઓ વધ્યા, પાછલા વર્ષની તુલનામાં 2023માં 58% વધારો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ક્રિકેટ અને G20ના કારણે વિદેશી પ્રવાસીઓ વધ્યા,  પાછલા વર્ષની તુલનામાં 2023માં 58% વધારો 1 - image

Gujarat tourism  : પ્રવાસનનું નામ પડે એટલે ભારતમાં ગુજરાત, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના નામ જ આગળ પડતા ધ્યાનમાં આવે છે. વર્ષોથી ગુજરાતનું નામ પ્રવાસન ક્ષેત્રે બહુ પાછળ રહેતું આવ્યું છે. પણ, હવે પ્રવાહ બદલાઈ રહ્યો છે. પ્રવાસન સંદર્ભે જાહેર થયેલા આંકડા ખૂબ જ ઉત્સાહજનક છે. 

આટલા પ્રવાસીઓ આવ્યા ગુજરાત

2023માં કુલ 28.06 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વર્ષ 2022ની સરખામણીમાં આ સંખ્યામાં 58%નો વધારો જોવા મળે છે. 2022માં 17.77 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા. એટલે કે વર્ષ 2023ના આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ આંકડા ‘કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય’ના ડેટામાંથી જાહેર કરવામાં આવ્યા છે.  

વિદેશી પ્રવાસીઓની મુલાકાત બાબતે ગુજરાત બીજા ક્રમે 

વિદેશી પ્રવાસીઓના આગમનને બાબતે ગુજરાત બીજા નંબર પર રહ્યું છે. પહેલા નંબર પર મહારાષ્ટ્ર છે. જેની મુલાકાતે 33.87 લાખ વિદેશીઓ આવ્યા હતા. ગત વર્ષે આખા દેશમાં કુલ 1 કરોડ 92 લાખ વિદેશીઓ આવ્યા હતા. 2022માં આ આંકડો 61.9 લાખનો હતો. તેના પરથી અંદાજ આવી શકે છે, કે સમગ્ર દેશમાં વિદેશી મુલાકાતીઓની સંખ્યા પ્રતિવર્ષ વધી રહી છે. 

આ કારણે ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો  

ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે.  એની પાછળ બે મુખ્ય ઈવેન્ટ્સ કારણભૂત છે.

1) ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 

2) ભારતના યજમાનપદે રાજ્યમાં યોજાયેલી G20 ઇવેન્ટ

‘ટ્રાવેલ એજન્ટ્સ ઍસોસિએશન ઑફ ઇન્ડિયા’ (TAAI)ના ગુજરાતના ચેરમેન વીરેન્દ્ર શાહના જણાવ્યા પ્રમાણે ક્રિકેટ વર્લ્ડ કપને કારણે દુનિયાભરના ક્રિકેટ રસિકો અમદાવાદ આવ્યા હતા. વિશ્વ કપની પહેલી મેચ, ફાઇનલ મેચ અને ખાસ તો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને કારણે સમગ્ર વિશ્વમાંથી ક્રિકેટ પ્રેમીઓ, મીડિયાકર્મીઓ, પ્રાયોજકો, સેલિબ્રિટીઓ અને રાજકીય હસ્તીઓ ગુજરાત આવ્યા હતા. એ ઉપરાંત G20 સમિટના આયોજનને કારણે દુનિયાભરના દિગ્ગજ રાજકારણીઓ તેમની ટીમ સાથે ગુજરાત આવ્યા હતા. જેના કારણે પણ પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો હતો.

આ સ્થળોએ ગયા સૌથી વધુ પ્રવાસીઓ

આ બન્ને ઇવેન્ટ દરમિયાન ગુજરાત આવેલા પ્રવાસીઓએ ઇવેન્ટ પૂરી થયા બાદ પોતાનું રોકાણ લંબાવીને ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યત્વે સ્ટેચ્યુ ઑફ યુનિટી, ગીર અભયારણ્ય, કચ્છનું રણ, મહત્ત્વના ધાર્મિક સ્થળો, હેરિટેજ સાઇટ્સ અને ગુજરાતના શાંત દરિયાકિનારાનો સમાવેશ થાય છે. 

પ્રવાસીઓને આકર્ષવા લેવાયા આવકારદાયક પગલાં

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણાં આવકારદાયક પગલાં લીધા છે, જેમાંના બે સૌથી નોંધપાત્ર છે. 

1) એક પહેલ છે ‘ઇનક્રેડિબલ ઇન્ડિયા ટુરિસ્ટ ફેસિલિટેટર સર્ટિફિકેશન’ (IITFC) પ્રોગ્રામ, જે સમગ્ર દેશમાં વ્યાવસાયિક પ્રવાસી સુવિધાકર્તાઓને તાલીમ આપવા માટે રચાયેલ ડિજિટલ પ્લૅટફૉર્મ છે. કોઈપણ ભારતીય પોતાના સમય અને અનુકૂળતા મુજબ આ પ્રોગ્રામનો લાભ લઈને પ્રવાસન બાબતે માહિતી મેળવીને ભારતમાં સતત વિકસી રહેલા પ્રવાસન ક્ષેત્રનો હિસ્સો બની શકે છે, એનો લાભ લઈ શકે છે. 

2) ભારતની મુલાકાતે આવનાર વિદેશીઓ માટે ટુરિસ્ટ વિઝાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. વિદેશીઓ માટે ઈ-વિઝાની સુવિધા છે, જે હાલમાં સાત પેટા કેટેગરીમાં ઉપલબ્ધ છે. 

  • ઈ-ટુરિસ્ટ વિઝા
  • ઈ-બિઝનેસ વિઝા
  • ઈ-મેડિકલ વિઝા 
  • ઈ-મેડિકલ એટેન્ડન્ટ વિઝા
  • ઈ-કોન્ફરન્સ વિઝા 
  • ઈ-આયુષ વિઝા 
  • ઈ-આયુષ એટેન્ડન્ટ વિઝા. 

ઈ-ટુરિસ્ટ વિઝા ત્રણ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. 

  • એક મહિનાના વિઝા, જેમાં બે વાર પ્રવેશ મેળવી શકાય છે.
  • એક વર્ષનો વિઝા, જેમાં વિદેશી ઇચ્છે એટલી વાર ભારત આવી શકે છે.
  • પાંચ વર્ષનો વિઝા, જેમાં વિદેશી ઇચ્છે એટલી વાર ભારત આવી શકે છે.



Google NewsGoogle News