નવું આધારકાર્ડ બનાવવું સરળ નહીં હોય, ઓછામાં ઓછા 180 દિવસ લાગશે
- પાસપોર્ટની જેમ વેરિફિકેશન કરાય તેવી શક્યતા
- 18 વર્ષથી ઉપરના માટે નવું આધાર કાર્ડ મેળવવું સરળ નહીં હોય, અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે
નવી દિલ્હી : મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે. તેના હેઠળ નવા આધારકાર્ડ માટે અરજી કરનારાઆનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ વેરિફિકેશન પાસપોર્ટની જેમ જ થશે. એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી પછી જ નવું આધાર કાર્ડ જારી કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કામ પહેલા યુઆઇડીએઆઇ કરતું હતું.
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)ના જણાવ્યા મુજબ ૧૮ વર્ષની ઉંમર પૂરી કરનારા યુવાનો માટે આ પ્રક્રિયા લાગુ પડશે. એક વખત આધાર કાર્ડ બન્યા પછી તે પણ સામાન્ય પ્રક્રિયાની જેમ અપડેટ કરાવી શકશે. આ સિવાય જે લોકોના આધારકાર્ડ પહેલેથી બની ચૂક્યા છે, તેમણે નવી વ્યવસ્થા હેઠળ પસાર થવું નહીં પડે.
આ અંગેના આદેશો મુજબ અરજીના ફિઝિકલ વેરિફિકેશન માટે સરકાર જિલ્લા સ્તરે અપર જિલ્લા અધિકારી અને સબ ડિવિઝન સ્તરે એસડીએમને નીમશે. આ નીમાયેલા અધિકારીઓ દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થયા પછી જ કાર્ડ જારી કરવામાં આવશે. ફિઝિકલ વેરિફિકેશન માટે જિલ્લાના મુખ્ય પોસ્ટલ કેન્દ્રો અને અન્ય આધાર કેન્દ્રોની વિશેષ પસંદગી કરવામાં આવશે.
નવી વ્યવસ્થામાં આધાર જારી થવામાં ૧૮૦ દિવસ સુધીનો સમય લાગી શકે છે. તેના હેઠળ આધાર માટે અરજી આવ્યા પછી યુઆઇડીએઆઇ અરજીની ગુણવત્તાની ચકાસણી કરશે. તેના પછી આ અરજીને સર્વિસ પ્લસ પોર્ટલ પર મોકલવામાં આવશે. એસડીએમ પોર્ટલ પર આવેલી અરજીનું વેરિફિકેશન કરશે. અરજદાર દ્વારા લગાવવામાં આવેલા બધા દસ્તાવેજોનું ભૌતિક વેરિફિકેશન થશે. તેના પછી એસડીએમના સ્તરે આધાર જારી કરવામાં મંજૂરી મળશે. જો દસ્તાવેજ શંકાસ્પદ લાગશે અથવા તેમા કશું પણ ખોટું હશે તો તેને રદ કરવામાં આવશે.
આ અંગેના દિશાનિર્દેશો મુજબ ભૌતિક ચકાસણી માટે અરજદારે રુબરુ હાજર થવું પડશે. તેના માટે બીજા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેનારાઓને પોતાના ગૃહરાજ્યમાં પરત ફરવાની સલાહ આપવામાં આવશે.