'ઇન્ડિયા'નું સુકાન મમતાને સોંપવા મુદ્દે ગઠબંધનમાં તડાં
- હરિયાણા-મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયની અસર ઃ મમતાને સપાનું સમર્થન, કોંગ્રેસનો વિરોધ
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઈન્ડિયા ગઠબંધનના ચેરમેન બંનેની જવાબદારી સંભાળવા માટે તૈયાર છું ઃ મમતા બેનરજી
- ગઠબંધનના નેતૃત્વ માટે એકતરફી જાહેરાત અયોગ્ય, ઈન્ડિયાનું સુકાન સંભાળવા રાહુલ સિવાય બીજું કોઈ સક્ષમ નથી ઃ કોંગ્રેસ
- શિવસેના, ડાબેરીઓએ પણ કોંગ્રેસની નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા, ઈન્ડિયાના સાચા નિર્માતા લાલુ યાદવ ઃ રાજદનો દાવો
કોલકાતા: હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પછી ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવાની તેની ક્ષમતા પર સવાલો ઊઠવા લાગ્યા છે. તૃણમૂલ કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના સંચાલન અંગે અસંતોષ વ્યક્ત કરતાં મમતા બેનરજીને ગઠબંધનનું નેતૃત્વ સોંપવા માગ કરી છે. આ માગ મુદ્દે ગઠબંધનમાં તડાં પડી ગયા છે. સમાજવાદી પક્ષે મમતા બેનરજીનું સમર્થન કર્યું છે જ્યારે કોંગ્રેસે આ માગ ફગાવી દીધી છે. બીજીબાજુ રાજદે દાવો કર્યો છે કે લાલુ યાદવ ઈન્ડિયા ગઠબંધનના શિલ્પકાર હતા.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કારમા પરાજય પછી દેશમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે ઈન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વ મુદ્દે તડાં સર્જાયાં છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સહિત મહાવિકાસ આઘાડીને વિપક્ષના નેતા બનવા જેટલી પણ બેઠકો મળી નથી ત્યારે હવે પીએમ મોદી અને ભાજપનો સામનો કરવા માટે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ તૈયારી દર્શાવી છે.
મમતા બેનરજીએ એક મુલાકાતમાં જણાવ્યું કે, પોતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ઈન્ડિયા ગઠબંધનના નેતા તરીકેની બેવડી જવાબદારી સંભાળવા તૈયાર છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, મેં ઈન્ડિયા બ્લોકની રચના કરી હતી. જોકે, અત્યારે જે લોકો ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યા છે તેઓ તેને બરાબર રીતે ચલાવી શકતા નથી. તેઓ મને પસંદ નથી કરતા, પરંતુ હું બધા જ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોના સંપર્કમાં છું અને તેમની બધાની સાથે સારા સંબંધો બનાવીને ચાલું છું.
તેમણે ઉમેર્યું કે, ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વની જવાબદારી મળશે તો તેના માટે હું તૈયાર છું. હું બંગાળમાંથી જ તે ચલાવી શકું છું.
મમતા બેનરજીના આ નિવેદન પછી ઈન્ડિયા ગઠબંધનમાં વિરોધી મતો જોવા મળ્યા છે. ગઠબંધનના મુખ્ય પક્ષ કોંગ્રેસે મમતા બેનરજીના દાવા પર અસહમતી વ્યક્ત કરી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે, ગઠબંધનનું નેતૃત્વ સામૂહિક સહમતિથી નિશ્ચિત થવું જોઈએ. કોઈ એક તરફી જાહેરાતથી નહીં. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું કે, મમતા બેનરજીને એવું લાગી શકે છે, પરંતુ અમને એવું નથી લાગતું. તેમના કહેવાથી તેમનો પક્ષ ચાલે છે. અમે તો કોંગ્રેસના કહેવાથી ચાલીએ છીએ. કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, રાહુલ ગાંધી સિવાય કોઈપણ નેતા ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે સક્ષમ નથી.
તૃણમૂલ પછી ડાબેરી પક્ષોએ પણ કોંગ્રેસ સામે સવાલ ઉઠાવ્યો છે. ડાબેરી નેતા ડી. રાજાએ કહ્યું, કોંગ્રેસે આત્મચિંતન કરવાની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિ ઈન્ડિયા બ્લોકની બેઠકની માગ કરે છે. કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનના સાથીઓની વાત સાંભળી હોત તો લોકસભા અને હરિયાણા-મહારાષ્ટ્રના પરિણામ અલગ હોત. સપા પ્રવક્તા ઉદયવીર સિંહે કહ્યું કે, મમતાજીએ કોઈ ઈચ્છા જાહેર કરી હોય તો ઈન્ડિયા બ્લોકના નેતાઓએ તેના પર વિચાર કરવો જોઈએ. તેનાથી ગઠબંધન મજબૂત થશે. મમતાજીએ ભાજપને બંગાળમાં રોકવાનું કામ કર્યું હતું. તેમને અમારા પક્ષનું ૧૦૦ ટકા સમર્થન છે. શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે પણ કહ્યું કે, અમને મમતા બેનરજીનું મંતવ્ય ખબર છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. કોઈ હશે તો અમે કોલકાતા જઈને ઉકેલ લાવી દઈશુ.
દરમિયાન રાજદ પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, ભાજપ વિરુદ્ધ વિપક્ષના ગઠબંધનના અસલી આર્કિટેક્ટ લાલુ પ્રસાદ યાદવ છે.
તેમની પહેલ પર જ પટનામાં ઈન્ડિયા ગઠબંધનની પહેલી બેઠક થઈ હતી. આ બેઠકમાં મમતા બેનરજી પણ જોડાયાં હતાં. બધા પોત-પોતાના રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. ભાજપ વિરુદ્ધ અમારું ગઠબંધન સંપૂર્ણપણે એક છે.
- ગઠબંધનમાં કોંગ્રેસ વિરુદ્ધ અવાજ ઉઠયા
- સાથીઓ વચ્ચે મતભેદોથી ઈન્ડિયા ગઠબંધનનું ભાવિ અદ્ધરતાલ
- 'નબળી' કોંગ્રેસને આત્મનિરીક્ષણ કરવા અને અન્ય પક્ષોનો સમાવેશ કરવા સાથી પક્ષોની સલાહ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપને ૨૪૦ બેઠકો સુધી મર્યાદિત રાખીને કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધનમાં તેનું પ્રભુત્વ વધાર્યું હતું. પરંતુ હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયના પગલે હવે ઈન્ડિયા ગઠબંધનમાં એક સદીથી વધુ જૂના પક્ષ વિરુદ્ધ આંતરિખ વિખવાદ ઊભરીને સામે આવી રહ્યો છે, જેને પગલે આગામી ચૂંટણીઓ માટે ઈન્ડિયા ગઠબંધનનું ભાવી અદ્ધરતાલ જણાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી અને ભાજપ સામે મજબૂતીથી બાથ ભીડનાર કોંગ્રેસે હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. પરિણામે હવે ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ વિરુદ્ધ અવાજ ઊઠવા લાગ્યા છે. આ સિવાય અન્ય સાથી પક્ષોમાં પણ મતભેદો ઊભરીને સામે આવી રહ્યા છે. બીજીબાજુ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સતત અદાણીનો મુદ્દો ઉઠાળી રહ્યા છે ત્યારે સંસદની અંદર અને બહાર સાથી પક્ષો તરફથી તેમને ટેકો મળ્યો નથી.
અદાણીના વિરોધ પ્રદર્શનોમાં તૃણમૂલ અને સપા ગેરહાજર રહ્યા છે. બે રાજ્યોની વિધાનસભામાં પરાજયથી 'નબળી' બનેલી કોંગ્રેસ સામે કેટલાક વિપક્ષોએ તેને આત્મનિરીક્ષણ કરવાની અને અન્યોનો સમાવેશ કરવાની સલાહ આપી છે. એટલું જ નહીં તેમણે વિપક્ષના ગઠબંધન ઈન્ડિયામાં કોંગ્રેસના 'વર્ચસ્વ'નો પણ વિરોધ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં જૂન ૨૦૨૩માં 'ભાજપ હટાઓ, દેશ બચાઓ'ના હેતુ સાથે ઈન્ડિયા ગઠબંધનની રચના થઈ હતી, પરંતુ તેના સ્થાપક સભ્યોમાંનો એક જદયુ ચૂંટણી પહેલાં જ શાસક પક્ષ એનડીએનો ભાગ બની ગયો. હવે આગામી વર્ષે દિલ્હી અને બિહાર સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના દેખાવ પર બધાની નજર છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આપે પણ કોંગ્રેસ સાથે જોડાણ નહીં કરવાની જાહેરાત કરી છે.
- કોંગ્રેસ પણ વિચારે એમવીએમાં રહેવું કે નહીં ઃ અબુ આઝમી
- સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ આઘાડી સાથે છેડો ફાડયો
- ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથીદારે બાબરીધ્વંસને બીરદાવતી પોસ્ટ મૂકતા અખિલેશનો પક્ષ નારાજ
મુંબઇ: મહારાષ્ટ્ર વિકાસ આઘાડીને કારમાં પરાજયની હજી કળ પણ વળી નથી ત્યાં વિધાનસભાના સત્રના પહેલે જ દિવસે સમાજવાદી પાર્ટીએ આઘાડી સાથે છેડો ફાડી નાખ્યો હતો. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના નીકટના સાથીદારે બાબરી ધ્વંસને બીરદાવતી પોસ્ટ સોશ્યલ મિડિયામાં મૂકી અને અખબારમાં જાહેરખબર પણ આપી તેનાથી ખફા થઇ સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ આઘાડીને ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્રની વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના બે ધારાસભ્યો છે. સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર એકમના વડા અબુ આઝમીએ જણાવ્યું હતું કે અમે એમવીએ છોડવાનો નિર્ણય કર્યો છે. મે પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ સાથે વાત કરી છે.
ઉદ્ધળ ઠાકરેના નિકટના સાથી અને વિધાન-પરિષદના સભ્ય મિલીન્દ નાર્વેકરે સ્પેશ્યલ મિડિયા પર બાબરી ધ્વંસની તસવીર સાથેની પોસ્ટ મૂકી હતી અને સાથે જ બાળાસાહેબ ઠાકરેનું અવતરણ ટાંક્યું હતું કે 'આ કૃત્ય (બાબરી મસ્જિદના તોડકામનું) જેમણે કર્યું એમને માટે હું ગર્વ અનુભવું છું.' એક અખબારમાં જાહેરખબર પણ આપવામાં આવી હતી જેમાં બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરવાવાળાને બીરદાવવામાં આવ્યા હતા.
એમવીએને આપેલો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી અબુ આઝમીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એમવીએના ઘટકપક્ષમાંથી કોઇ આવી ભાષા વાપરે તો પચી તેમનામાં અને ભાજપમાં શો ફેર છે ? બાબરી ધ્વંસને જે બીરદાવતા હોય તેમની સાથે અમે રહી જ ન શકીએ. બાબરી મસ્જિદ તોડી પાડવા બદલ કોઇને સજા નહોતી થઇ. હવે કોંગ્રેસે પણ વિચારવું જોઇએ કે આઘાડીમાં રહેવું કે નહીં.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ભાસ્કર જાધવે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારથી બાબરી મામલે શિવસેનાનું વલણ લેશમાત્ર બદલાયું નથી. સમાજવાદી પાર્ટીને ૩૧ વર્ષ પછી ખબર પડી કે બાબરી ધ્વંસ વિશે શિવસેનાનો મત શું ચે ?
કોંગ્રેસના સિનિયર નેતા નીતીન રાઉતને સમાજવાદી પાર્ટીના નિર્ણય બાબત પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ બાબતમાં અમે અબુ આઝમી સાથે ચર્ચા કરશું.