ઉત્તરાખંડના જોશીમઠ બાદ બાગેશ્વરમાં 25 ગામોના મકાનોમાં તિરાડો
- માઇનિંગને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા
- માઇનિંગ માટે વિસ્ફોટકો અને હેવી મશીનોના ઉપયોગ થઇ રહ્યા છે, 402 ગામોને તેની અસર : સ્થાનિકોની ફરિયાદ
- ગ્રામજનોની મંજૂરી બાદ માઇનિંગ કરાયું, જિલ્લાની 121 માંથી 50 ખાણોમાં હાલ કામ ચાલુ છે : ધારાસભ્ય
પિથોડગઢ : ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ૨૫થી વધુ ગામડાઓમાં મકાનોમાં તિરાડો પડવા લાગી છે. ગ્રામજનોનુ કહેવુ છે કે આ વિસ્તારમાં પથ્થરોનું મોટા પ્રમાણમાં માઇનિંગ થાય છે. માઇનિંગ માટે મોટા વિસ્ફાટો કરાય છે સાથે જ ભારે મશીનોનો પણ ઉપયોગ થાય છે જેને કારણે આસપાસના મકાનો પર તેની અસર જોવા મળી રહી છે. જે રીતે જોશીમઠમાં મકાનો ધસી રહ્યા હતા તેવુ જ હવે ઉત્તરાખંડના અન્ય ભાગોમાં પણ સામે આવી રહ્યું છે.
જિલ્લાના માઇનિંગ ઓફિસર જિજ્ઞાાસા બિસ્ટે કહ્યું હતું કે બે વર્ષ પહેલા જ અસરગ્રસ્ત વિસ્તારમાં માઇનિંગ અટકાવી દેવાયું છે તેમ છતા કાંડા તેમજ અન્ય ગામોમાં કેટલાક મકાનોમાં તિરાડો પડવા લાગી છે, છત પણ તુટવા લાગી છે. જોશીમઠમાં આ જ પરિસ્થિતિને કારણે આશરે એક હજારથી વધુ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તાજેતરમાં બાગેશ્વરમાં કલેક્ટર ઓફિસે જનતા દરબાર યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન ગ્રામજનોએ આ પરિસ્થિતિ અંગે પ્રશાસનનું ધ્યાન દોર્યું ત્યારે મામલો સામે આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે આશરે ૨૫ જેટલા ગામડાઓમાં લોકોના ઘરોમાં દિવાલો અને છત પર અનેક તિરાડો પડી ગઇ છે. આ વિસ્તારોમાં હજુ પણ માઇનિંગનું કામ ચાલી રહ્યું છે. જોકે આ ગામના લોકોએ સામે ચાલીને માઇનિંગ સામે વાંધો ના હોવાનું સર્ટિફિકેટ પણ આપ્યું છે. એક સ્થાનિક રહેવાસી ઘનશ્યામ જોશીએ કહ્યું હતું કે જિલ્લાના આશરે ૪૦૨ ગામો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. કાપકોટના ધારાસભ્ય અને ભાજપના વરીષ્ઠ નેતા બલવંત ભૌરીયાલ આ વિસ્તારમાં એક સોપસ્ટોન ખાણની માલિકી ધરાવે છે.
ભાજપના નેતાએ કહ્યું હતું કે ગામના લોકો દ્વારા જ આ વિસ્તારમાં માઇનિંગ માટે જમીન આપવામાં આવી હતી અને ત્યાં જ ખોદકામ થઇ રહ્યું છે. તેથી સ્પષ્ટ છે કે ગામના લોકોની ઇચ્છા વિરુદ્ધ આ માઇનિંગ નથી થઇ રહ્યું. જિલ્લામાં સોપસ્ટોનની આશરે ૧૨૧ ખાણો છે જેમાંથી ૫૦ હાલ સક્રિય છે. એક સ્થાનિક ગ્રામજન શેખર દ્વિવેદીએ કહ્યું હતું કે કેટલાક ગામો ખાલી થઇ ગયા છે. કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામના નિયમોનો ભંગ કરાઇ રહ્યો છે, માઇનિંગ માટે વિસ્ફોટો અને જેસીબીનો ઉપયોગ થઇ રહ્યો છે. જેની અસર ગામના મકાનો પર જોવા મળી રહી છે. ગામના લોકો આ માઇનિંગમાં કામ કરી રહ્યા હોવાથી તેઓ પ્રશાસન સમક્ષ રજુઆત કરવાનું ટાળે છે.
ટનલ નિર્માણ માટે વિસ્ફોટોથી જોશીમઠના પહાડને અસર થઇ હતી
દેહરાદૂન : નોંધનીય છે કે ઉત્તરાખંડના જોશીમઠમાં પણ પહાડી ધસી પડતા અનેક મકાનોમાં તિરાડો પડવા લાગી હતી. જોશીમઠમાં બાઇપાસ તેમજ તપોવન વિષ્ણુગાડ પ્રોેજેક્ટ હેઠળ ટનલ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આ ટનલના નિર્માણ માટે મોટા પ્રમાણમાં વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જેને કારણે જમીનમાં તિરાડો પડવા લાગી. ફેબુ્રઆરી ૨૦૨૧માં ટનલમાં જ્યારે પાણી ઘૂસી ગયું તો મોટા પ્રમાણમાં તિરાડો પડવા લાગી. જે બાદ પાણીએ પોતાનો રસ્તો બનાવ્યો અને તે જોશીમઠની મેઇન ડ્રેનેજ લાઇનમાં પહોંચી ગયું. પાણીની તેજ ધારને કારણે માટી, પથ્થર પરની આ જોશીમઠની જમીન ધસવા લાગી. આ વિસ્તારોમાં અનેક મકાનો અને મંદિરો તુટવા લાગ્યા. જેની સ્થિતિ એટલી જર્જરીત થઇ ગઇ કે મકાનો રહેવાને લાયક જ ના રહ્યા. પરિણામે અનેક લોકોએ સ્થળાંતર કરવું પડયું.