ઉ.પ્ર.માં ફટાકડાના વેપારી પર દરોડા : 6 કરોડની જીએસટી ચોરીનો આરોપ
- 20 સભ્યોની ટીમે 11 કલાક સુધી તપાસ કરી
- વેપારીએ જીએસટીનો ડેટા ધરાવતો લેપટોપ ગાયબ કર્યો : વેપારીના ભોજપુર સ્થિત ગોડાઉનમાં પણ દરોડા
હાપુડ : ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ફટાકડાના જાણીતા વેપારી ગોલ્ડન ટ્રેડિંગ એજન્સી પર ગાઝિયાબાદના જીએસટી વિભાગની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન બ્રાન્ચ (એસઆઇબી)ની ટીમે દરોડા પાડયા હતાં.
આ ટ્રેડિંગ એજન્સી મેરઠ રોડ સ્થિત દીવાન પબ્લિક સ્કૂલની સામે આવેલી છે. એસઆઇબીના ૨૦ સભ્યોની ટીમે એજન્સીના દસ્તાવેજોની લગભગ ૧૧ કલાક સુધી તપાસ કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કંપની સંચાલક દ્વારા મુખ્ય લેપટોપ ગાયબ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે વેપારીએ ૬ કરોડ રૂપિયાથી વધુની જીએસટી ચોરી કરી છે.
આ ઉપરાંત આ વેપારીના ભોજપુર સ્થિત ગોડાઉનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરમિયાન એજન્સીનો માલિક પોતાની ઓફિસમાં તાળું મારી ફરાર થઇ ગયો હતો.
ત્યારબાદ અનેક વખત બોલાવવા છતાં તે આવ્યો ન હતો. ત્યારબાદ ટીમે ઓફિસને સીલ કરી દીધી હતી. જો કે તે પહેલા જ ઓફિસમાંથી લેપટોપ અદ્રશ્ય કરી દેવામાં આવ્યું હતું.
ડેપ્યુટી કમિશનર બી કે દીપાંકરે જણાવ્યું હતું કે ઓફિસમાં તપાસ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કેશ ફ્લો અને રિટર્ન સહિતના દસ્તાવેજો સામેલ હતાં.