વેક્સિનની આડઅસરના વિવાદ બાદ ડૉક્ટરોના મતે કોવિશીલ્ડ રસી લેનારા માટે 45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી
Covishield Side Effect: કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સિન ભારત સહિત અનેક દેશમાં કોવિશીલ્ડ તથા વેક્સજેવકિયા બ્રાન્ડના નામે વેચવામાં આવી હતી. હવે આ વેક્સિન બનાવનારી બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે.
રસીના કારણે ટીટીએસ (થ્રમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ) થવાથી શરીરમાં બ્લડ ક્લોટ થતાં બ્રેઇન સ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો થવાની આશંકા રહે છે. આ અહેવાલ સામે આવ્યા બાદ ગુજરાતમાં કોવિશીલ્ડ વેક્સિનનો ડૉ. લેનારા અનેક લોકો ચિંતામાં મૂકાઇ ગયા છે. અલબત્ત, ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
દરેક વેક્સિનમાં મહદ્અંશે આડઅસર તો રહેવાની જ
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉ. તુષાર પટેલે જણાવ્યું કે, 'ઈન્ફ્લૂએન્ઝાની વેક્સિન હોય તેમાં પણ મહદ્અંશે આડઅસર તો હોય જ છે. સામાન્ય રીતે એક વેક્સિન બનાવવામાં પાંચથી દસ વર્ષનો સમય થતો હોય છે. જેની સરખામણીએ કોરોનાના વેક્સિન બે વર્ષમાં બનાવાઇ છે. પરંતુ કોરોનાનો સમયગાળો જ એવો હતો કે તેમાં ઝડપથી વેક્સિન બનાવવામાં ન આવી હોત તો સ્થિતિ વધુ ગંભીર થઇ હોત. કોરોનાને કારણે પણ ક્લોટિંગ થવાથી હાર્ટ એટેકના કેસમાં વધારો થતો જોવા મળે છે. જેના કારણે હાલ જે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે તેના માટે કોવિડ બાદ થયેલા ક્લોટિંગને પણ જવાબદાર ગણી શકાય. '
આઇસીએમઆર દ્વારા વેક્સિનને ક્લિનચીટ અપાઇ છે
કાર્ડિયોલોજીસ્ટ ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું કે, 'વેક્સિનને કારણે આડઅસર થતી હોવાનો ડેટા નહીં હોવાથી આ અંગે કોઇ તારણ પર આવી ના શકાય. અલબત્ત, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (આઇસીએમઆર) દ્વારા વેક્સિનને ક્લિનચીટ આપી જ દેવામાં આવી છે. વેક્સિનની આડઅસર આપણા વાતાવરણમાં ના થતી હોય તેની પણ સંભાવના છે. હાર્ટ એટેકના કેસ માત્ર ભારત જ નહીં વિશ્વના મોટાભાગના દેશમાં વધી રહ્યા છે અને તેના માટે વેક્સિનને જવાબદાર ગણી શકાય નહીં. '
યુવાનોના મૃત્યુ અંગે સરકારે કેસ સ્ટડી કરાવવો જોઇએ
અમદાવાદ હોસ્પિલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડૉ. ભરત ગઢવીએ જણાવ્યું કે, 'અત્યારે જે જોવામાં આવ્યું છે તેમાં આપણે ત્યાં કોવિશીલ્ડથી થ્રોમ્બોસિસ જેવા લક્ષણ જોવા મળ્યા નથી. પરંતુ જેટલા યુવાનોના મૃત્યુ થતાં હોય તેમાં તેમની કેસ હિસ્ટ્રી જાણવામાં આવે તે જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા તે અંગે પોસ્ટ મોર્ટમ કરવા જરૂરી નથી. પરંતુ મૃતકે કઇ વેક્સિન, ક્યારે લીધી હતી તેનો કેસ સ્ટડી કરવામાં આવે તો એક આઇડિયા આવી શકે. કોવિશીલ્ડ લીધી હોય અને જેઓ હાઇરિસ્કમાં આવતા હોય અથવા ૪૫થી વધુ વય હોય તેમણે નિયમિત હાર્ટ ચેકઅપ કરાવવું જરૂરી છે.'
પેરાસિટામોલની પણ આડઅસર છે, રિસ્ક બેનિફિટ વેક્સિનમાં હતો
ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. અમિત પ્રજાપતિએ જણાવ્યું કે, 'કોરોનાના કપરા સમયમાં વેક્સિન ઝડપથી શોધવી જરૂરી હતી. કોઇ પણ વેક્સિનેશનમાં પ્રી અને પોસ્ટ એમ બે સર્વે કરવામાં આવે છે. હાલમાં જે સર્વે થયો છે તે માત્ર 50 દર્દી પરનો છે. રિસ્ક બેનિફિટ વેક્સિનેશનમાં હતું. જો તેમ કરવામાં ના આવત તો કોવિડથી વધુ લોકોના મૃત્યુ થાત. પેરાસિટામોલની પણ આડઅસર છે, આ તો વેક્સિન છે. પરંતુ વેક્સિનની આડઅસર થવાની સંભાવના માત્ર 0.0001 ટકા છે. '
ગુજરાતમાં કોવિશીલ્ડના 10.53 કરોડ ડૉ. અપાયા છે
ગુજરાતમાં 12.81 કરોડ વેક્સિનેશનના ડૉ. અપાઇ ચૂક્યા છે. જેમાં પ્રથમ ડૉ. લેનારા 5.43 કરોડ, બીજો ડૉ. લેનારા 5.40 કરોડ જ્યારે પ્રીકોશન ડૉ. લેનારા 1.96 કરોડ છે. આ પૈકી કોવિશીલ્ડના 10.53 કરોડ, કોવેક્સિનના 1.89 કરોડ, કોર્બોવેક્સના 36.18 લાખ ડૉ. આપવામાં આવેલા છે.