ગુજરાત સહિત 10 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ 250ને પાર, સાવચેત રહેવું જરૂરી
દેશમાં કોવિડ-19 ઉપરાંત નવા વેરિયન્ટ JN.1ના કેસોમાં પણ સતત વધારો
નવા વેરિયન્ટના ડિસેમ્બરમાં 179 કેસો અને નવેમ્બરમાં 24 કેસ નોંધાયા
નવી દિલ્હી, તા.02 જાન્યુઆરી-2024, મંગળવાર
દેશભરમાં કોરોનાના ડબલ એટેકથી રાજ્ય સરકારો ચિંતિત બની છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પણ કોરોના અને કોરોનાના સબ વેરિયન્ટ JN.1ના વધતા કેસો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે, ત્યારે દેશમાં કોરોનાવાયરસ (Coronavirus)ની સાથે સાથે નવા વેરિયન્ટ કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 10 રાજ્યોમાં કોરોનાના સબ વેરિયન્ટ JN.1ના 263 કેસો સામે આવ્યા છે. નવા વેરિયન્ટના સૌથી વધુ કેરળમાં 133 કેસ નોંધાયા છે, ત્યારબાદ ગોવા અને ગુજરાતમાં પણ કેસો વધ્યા છે. ઉપરાંત કોરોનાના કેસોમાં પણ વધારો થયો છે.
નવા વેરિયન્ટનો 10 રાજ્યોમાં પગપેસારો
ઈંસાકોગના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા વેરિયન્ટના કેસોનો પગપેસારો થયો છે. સૌથી વધુ કેરળમાં 144, ગોવામાં 51, ગુજરાતમાં 34, દિલ્હીમાં 16, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 9, રાજસ્થાનમાં 5, તમિલનાડુમાં 4, તેલંગણામાં 2 અને ઓડિશામાં એક કેસ સામે આવ્યો છે. અહેવાલ મુજબ ડિસેમ્બરમાં નવા વેરિયન્ટના 179 કેસો અને નવેમ્બરમાં 24 કેસ સામે આવ્યા હતા.
કોરોનાના વધુ 573 કેસ નોંધાયા
ઉલ્લેખનિય છે કે, આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (Covid 19)ના વધુ 573 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 4565 પર પહોંચી ગઈ છે.
JN.1 સબ-વેરિયન્ટ શું છે ?
દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.
JN.1ના લક્ષણો ?
સીડીસીના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી પીડિત દર્દીમાં તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથું દુઃખવું, સ્નાયુમાં દુ:ખાવો, સ્વાદ અથવા ગંધ પારખવામાં સમસ્યા, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જોકે કેટલાક કેસોમાં લક્ષણો દર્દીની ઈમ્યૂનિટી પર નિર્ભર છે.
સ્વસ્થ થયા બાદ પણ લક્ષણો
નવા વેરિયન્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, સ્વસ્થ થવા છતાં દર્દીમાં લક્ષણો યથાવત્ રહે છે, જેમાં માથું દુઃખું, થાક લાગવો, શ્વાસની સમસ્યા સામેલ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ઓછામાં ઓછા 4થી 6 અઠવાડિયા બાદ દર્દી આ લક્ષણોમાંથી બહાર આવે છે.
નવા વેરિયન્ટથી બચવા માસ્ક પહેરવું જોઈએ?
અગાઉ પબ્લિક હેલ્થ ડાયરેક્ટરની સલાહે આપી હતી કે, લગ્ન પ્રસંગે, ટ્રેન કે બસ તેમન જે જગ્યાઓએ ખૂબ ભીડ હોય તેવી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવહ છે. તે માત્ર કોવિડ જ નહિ પરંતુ હવાથી ફેલાતી અન્ય બીમારીથી પણ તમારું રક્ષણ કરશે. પરંતુ હાલ માસ્કને ફરજીયાત કરવાની કોઈ જરૂરિયાત નથી. વડીલો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેમજ જેમને શરદી, ઉધરસ કે શ્વાસની તકલીફ છે તેમણે પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરીને રાખવું જોઈએ.
શું બુસ્ટર ડોઝ લેવો જરૂરી છે?
વેરિયન્ટની ગંભીર અસરને રોકવા માટે વેક્સીન અસરકારક કરી છે પરતું ઘણા લોકોની નબળી રોગપ્રતિકારક શક્તિ પણ જોવા મળી છે. કારણે કે જે લોકોએ વેક્સીનના બે ડોઝ લીધા છે તેઓ પણ સંક્રમિત થયા છે. JN.1 ને તેની ટ્રાન્સ-મિસિબિલિટીને કારણે WHO દ્વારા 'વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં રસીના અપડેટેડ વર્ઝન પહેલેથી જ ઉપલબ્ધ છે, જેથી ગભરાવાની જરૂર નથી. બસ સાવધાની જરૂરી છે.