મે મહિના બાદ પહેલીવાર ભારત માટે આવ્યા ચિંતાના સમાચાર, JN.1 વેરિયન્ટ આ કારણે બની જાય છે ખતરનાક!
COVID-19 New JN.1 Variant: ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં ફરી કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. જો શનિવારની વાત કરવામાં આવે તો દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસએ આઠ મહિનાનો રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં શુક્રવારે 752 કેસ નોંધાયા હતા, જે 21 મેં બાદ સૌથી વધુ જોવા મળ્યા હતા. તેની સાથે જ કોરોનાના કેસ 3000થી વધીને 3420 થયા હતા. તેમજ છેલ્લા 24 કલાકમાં ચાર લોકોના મોત પણ થયા છે. હાલના સમયમાં કોવિડના વધતા કેસનું મુખ્ય કારણ JN.1 વેરિઅન્ટ માનવામાં આવે છે. આ નવા વેરિઅન્ટને ઓમિક્રોનના અગાઉના વેરિઅન્ટ જેવું જ હોવાનું કહેવાય છે, પરંતુ કેટલીક બાબતો એવી છે જે JN.1 વેરિઅન્ટની પ્રકૃતિને ખતરનાક બનાવે છે. ચાલો તે જાણીએ.
આરોગ્ય સંસ્થાઓ આ બાબતે શું કહે છે?
વિશ્વની તમામ આરોગ્ય સંસ્થાઓનું કહેવું છે કે કોરોના વાયરસ સતત પરિવર્તનશીલ છે. જેનો એક પ્રકાર JN.1 પણ છે. વર્તમાન સમયમાં વધતા જતા કેસએ ચિંતા વધારી દીધી છે. પરંતુ મોટાભાગના દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો ઘરે રહીને સ્વસ્થ થઈ રહ્યા છે. જો કે, JN.1 માં વધારાના પરિવર્તનને કારણે, સંક્રમણમાં ઝડપથી વધારો થવાનું જોખમ રહેલું છે.
શું JN.1 ના લક્ષણો પહેલાના વેરિઅન્ટ જેવા જ છે?
આ નવા સબ-વેરિઅન્ટ પર અત્યાર સુધી કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે JN.1 વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં ઓમિક્રોનના અગાઉના વેરિઅન્ટ જેવી સમાન સમસ્યાઓ જોવા મળી રહી છે. લક્ષણોનો પ્રકાર અને તેની ગંભીરતા સામાન્ય રીતે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને એકંદર વેરિઅન્ટ કરતા વ્યક્તિના આરોગ્ય પર આધાર રાખે છે.
ઇનક્યુબેશન પીરિયડના કારણે વધી શકે છે ચિંતા
JN.1 વેરિઅન્ટની ચિંતાનું કારણ તેનો ઇનક્યુબેશન પીરિયડ બની શકે છે. ઇનક્યુબેશન પીરિયડ એ સમય હોય છે કે જયારે કોઈ વ્યક્તિ વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ તેનામાં સંક્રમણના લક્ષણ કેટલા સમયમાં વિકસિત થાય છે તે સમયગાળો. નવા કોરોના વેરિયન્ટમાં ઇનક્યુબેશન પીરિયડમાં ક્રમિક ઘટાડો જોવા મળ્યો છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ સમય સરેરાશ 2 થી 3 દિવસ સુધી ઘટાડી શકાય છે.
આરોગ્ય નિષ્ણાતોના શું અભિપ્રાય છે?
કોરોનાના વધતા કેસના કારણે વધતા જોખમ અંગે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે નવા વેરિઅન્ટના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. આ વેરિઅન્ટને વધુ સારી રીતે સમજવા માટે સતત સંશોધન કરવામાં આવી રહ્યા છે. આપણે બધાએ કોરોનાથી બચવાના પગલાં લેવામાં બેદરકાર ન રહેવું જોઈએ. માસ્ક પહેરવું અને સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે.