ખેડૂતોના સૂચનો અને માંગો માટે કોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા છે : સુપ્રીમ
- ખેડૂત નેતા ડલ્લેવાલ 26 નવેમ્બરથી આમરણ ઉપવાસ પર
- સુપ્રીમ દ્વારા રચિત સમિતિએ 17 ડિસેમ્બરે ખેડૂત નેતાઓને મંત્રણા માટે બોલાવ્યા હતાં પણ તે મંત્રણા કરવા માંગતા નથી : પંજાબ સરકાર
નવી દિલ્હી : ખનૌરી બોર્ડર પર આમરણ ઉપવાસ પર બેસેલા ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલ અને અન્ય ખેડૂતોની સાથે સતત વિસ્તૃત બેઠકો કરવામાં આવી પણ તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત ઉચ્ચાધિકાર પ્રાપ્ત સમિતિ સાથે મંત્રણા કરવાનો ઇનકાર કર્યો છે તેમ પંજાબ સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતુ.
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ ઉજ્જ્લ ભુઇયાની ખંડપીઠને પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદર સિંહે જણાવ્યું હતું કે સમિતિએ તેમને ૧૭ ડિસેમ્બરે આમંત્રણ આપ્યું હતું. જો કે દેખાવો કરી રહેલા ખેડૂતોએ તેમની સાથે મંત્રણા કરવાનો ઇનકાર કર્યો હતો.
સિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દરરોજ ખેડૂતોને મનાવવાના પ્રયાસો કરી રહી છે અને તેમણે સૂચન કર્યુ છે કે તેમને પોતાની માંગો કોર્ટમાં રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે ખેડૂતોે દ્વારા સીધા કે તેમના અધિકૃત પ્રતિનિધિઓના માધ્યમથી આપવામાં આવેલ કોઇ પણ સૂચન કે માંગ માટે કોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા છે.
સુપ્રીમ કોર્ટે ડલ્લેવાલની તબિયતની માહિતી મેળવી હતી અને પંજાબ સરકારને કોઇ પણ વિલંબ વગર સારવાર સહાયતા ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.
પંજાબના એડવોકેટ જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અધિકારીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ ડલ્લેવાલને મળ્યા હતાં અને તેમની તબિયત અંગેની માહિતી મેળવી હતી. જો કે તેમણે મેડિકલ ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો હતો.
આ કેસની વધુ સુનાવણી ૧૯ ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડલ્લેવાલ ૨૬ નવનેમ્બરથી આમરણ ઉપવાસ કરી રહ્યાં છે. ખેડૂતો ટેકાના ભાવ અંગે કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યાં છે. ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદ વચ્ચે આવેલા શંભુ અને ખનૌરી વિસ્તારમાં ૧૩ ફેબુ્રઆરીથી દેખાવો કરી રહ્યાં છે.