Get The App

ભાજપ સાંસદ બ્રિજભૂષણ ફસાયા, જાતીય સતામણી કેસમાં 6માંથી 5 કેસમાં પુરાવા, કોર્ટે કહ્યું - આરોપો ઘડો

કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું, મારા માટે પણ જવાબ આપવાના દરવાજા ખૂલ્યા છે : બ્રિજભૂષણ

રેસલર બજરંગ પુનિયાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીને તેને મહિલા પહેલવાનો માટે જીત ગણાવી

Updated: May 11th, 2024


Google NewsGoogle News
ભાજપ સાંસદ બ્રિજભૂષણ ફસાયા, જાતીય સતામણી કેસમાં 6માંથી 5 કેસમાં પુરાવા, કોર્ટે કહ્યું - આરોપો ઘડો 1 - image


WFI and Brij Bhushan Case |  ભારતીય કુસ્તીસંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણસિંહની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં બ્રિજભૂષણસિંહની સામે મહિલા પહેલવાનોના જાતીય સતામણીના કેસમાં આરોપ ઘડવા આદેશ આપ્યો છે. મહિલા પહેલવાનોએ તેમની સામે કરેલા છ કેસમાથી પાંચમાં પૂરતા પુરાવા હોવાનું કોર્ટે જણાવ્યું હતું. 

એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે સિંઘ સામે આરોપ ઘડવા આદેશ આપ્યો હતો. છ વખત સાંસદ રહી ચૂકેલા બ્રિજભૂષણ સામે સેકશન્સ ૩૫૪ (મહિલાનો વિનયભંગ કરવાના ઇરાદાથી  ગુનાહિત કહી શકાય તેવી બળજબરી કે હુમલો), 354એ (જાતીય પજવણી) અને 506 (ધાકધમકી) હેઠળ આરોપ ઘડવા આદેશ આપ્યો હતો.

જજે જણાવ્યું હતું કે તેમની સામે કાર્યવાહી કરવા પૂરતા પુરાવા છે. કોર્ટે જો કે છ મહિલાઓએ ફાઇલ કરેલી અરજીમાંથી એકની અરજી પૂરતા પુરાવાના અભાવે નકારી હતી. કોર્ટ હવે 21મી મેના રોજ તેમની સામે આરોપનામુ ઘડશે. તેમણે આ કેસમાં સહઆરોપી અને ડબલ્યુએફઆઇના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

દિલ્હી પોલીસે બ્રિજભૂષણસિંહ સામે 15 જૂનના રોજ સેકશન 354, સેક્શન 354એ અને 354 ડી તથા 506 હેઠળ કેસ નોંધ્યો હતો. દિલ્હીની કોર્ટ ૨૦ મેના રોજ સગીર પહેલવાને સિંઘ સામે કરેલી જાતીય પજવણીની ફરિયાદ રદ કરવા અંગે પોલીસ રિપોર્ટ સ્વીકારી કે ન સ્વીકારીને તેના પર આદેશ આપી શકે છે. ગયા વર્ષે પહેલી ઓગસ્ટના રોજ ચેમ્બરમાં થેલી સુનાવણીમાં સગીર રેસલરે કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી પોલીસની તપાસથી સંતુષ્ટ છે અને તેના ક્લોઝર રિપોર્ટ સામે કોઈ વાંધો નહીં ઉઠાવે. 

ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણસિંહ સામે લાગેલા આરોપોમાં જાતીય પજવણી બિનજામીનપાત્ર ગુનો છે. તેમા પાંચ વર્ષની સજા થઈ શકે છે. બ્રિજભૂષણે આ અંગે જણાવ્યું હતું કે કોર્ટે મારા પર આરોપ નક્કી કર્યા છે અને આ રીતે હવે મારા માટે પણ કાયદાકીય રીતે જવાબ આપવાના દરવાજા ખૂલ્યા છે.  કોર્ટના આ ચુકાદાનું રેસલર બજરંગ પુનિયાએ સ્વાગત કર્યુ હતુ અને જણાવ્યું હતું કે આ મહિલા પહેલવાનોના સંઘર્ષની જીત છે. આ મહિલા પહેલવાનોને ટ્રોલ કરનારાઓને શરમ આવવી જોઈએ. 

સાક્ષી મલિક સહિત ઘણી મહિલા પહેલવાનોએ રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણસિંહ પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા. તેને લઈને તે જંતરમંતર પર ધરણા પર પણ બેઠા હતા અને તેમને આપવામાં આવેલા પુરસ્કાર સડક પર મૂકી દીધા હતા.


Google NewsGoogle News