અદાલત, મીડિયા, અને ચૂંટણી પંચ બધા જ મુક : ડ્રામા જોઈ રહ્યા છે : ખાતાં ફ્રીઝ થવા પર રાહુલ ભડક્યા
- કોંગ્રેસનાં ખાતાં ફ્રીઝ નથી થયાં લોકતંત્ર ફ્રીઝ થયું છે : રાહુલ
- જે પાર્ટીને દેશના 20% લોકોએ મત આપ્યો તેને પોતાના નેતા માટે રેલ-ટિકિટના પણ પૈસા નથી : 2 રૂ.ના ખર્ચ માટે પણ મુશ્કેલી પડે છે
નવી દિલ્હી : કોંગ્રેસનાં ખાતાં ફ્રીઝ કરાયાં છે, તેથી રાહુલ ગાંધીએ સરકાર પર હુમલો કર્યો છે. મીડીયા સાથે વાતચીત કરતાં તેઓએ ગુરૂવારે જણાવ્યું હતું કે, આજે પાર્ટી પાસે ૨ રૂપિયાનો પણ ખર્ચ કરવાની શક્તિ નથી.
કોંગ્રેસ પૂર્વે પ્રમુખે પક્ષની કારોબારીના વરિષ્ટ નેતાઓ સાથેની મીટીંગ પછી પત્રકારો સાથેની વાતચીતમાં, કોંગ્રેસના યુવરાજ કહેવાતા પક્ષના પૂર્વપ્રમુખ રાહુલ ગાંધીએ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે એક મહિના પહેલાં કોંગ્રેસનાં બેન્ક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં. આવું કોઈ સંસ્થા કંપની કે કુટુમ્બ ઉપર કરવામાં આવે તો તે ખત્મ થઇ જાય. પરંતુ, અમારી સાથે તે જ થયું ? તે પછી કોઈ અદાલત, સંસ્થા કે ચૂંટણી પંચ કોઇપણ કશું બોલતું નથી. બધા જ મૌન છે, અને ડ્રામા જોઇ રહ્યા છે. આવું ભારતમાં લોકતંત્ર છે. એક એવી પાર્ટી કે પોતાના નેતાઓને ક્યાંય પણ મોકલી શક્તિ નથી. રેલવે ટિકીટ ખરીદી શક્તી નથી. ત્યાં પ્લેન ટિકિટ તો ક્યાંથી જ ખરીદી શકે ? અરે ! બે રૂપિયાનો પણ ખર્ચ કરવામાં ફાંફાં પડે છે. જેને લોકોએ ૨૦ ટકા મત આપ્યા છે. તેવા પક્ષની (કોંગ્રેસની) આ સ્થિતિ છે.
આ કેસમાં કોર્ટ તેમ જ ચૂંટણી પંચની પણ ભૂમિકા હોઈ શકે પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મારો પ્રશ્ન છે કે ચૂંટણી પંચ આ મુદ્દા ઉપર ચૂપ કેમ છે ?
આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપાએ માત્ર કોંગ્રેસનાં જ ખાતાં ફ્રીઝ નથી કર્યા પરંતુ, સમગ્ર લોકતંત્રને ફ્રીઝ કરી દીધું છે. આવકવેરા કાનૂન તો જણાવે છે કે વધુમાં વધુ રૂ. ૧૦ હજારનો દંડ થઇ શકે, પરંતુ કોંગ્રેસ પાસેથી તો કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા તે માટે તેનાં બેન્ક ખાતાં પણ ફ્રીઝ કરાયાં.